Western Times News

Gujarati News

ઊંઝામાં સવા બે ઇંચ અને વીસનગરમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

File

મહેસાણા, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. જ્યારે આજે વહેલી સવારથી મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટાં સાથે વરસાદ પડયો હતો ઊંઝા તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી ચાર કલાકમાં પોણાબે ઇંચ પાણી વરસાવતાં અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયાં હતાં ઊંઝામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.

જયારે વીસનગર અને ઊંઝા સહિતના તાલુકામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ મેઘરાજાએ ગાજવીજ સાથે સ્નેહ વરસાવતાં વીસનગર, ઊંઝા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.

ઊંઝા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં તાલુકાના ઐઠોર, મહેરવાડા, મકતુપુર અને ઉનાવા સહિતનાં ગામડાંમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઊંઝામાં ચાર કલાકમાં પોણાબે ઇંચ જેટલો વરસાદ વરસતાં શહેરમાં આવેલા બસ સ્ટોપમાં પાણી ફરી વળ્યાં હતાં, જ્યારે ઊંઝામાં આવેલો અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.

અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વીસનગરમાં પણ મહેસાણા ચોકડીથી પાલડી ત્રણ રસ્તા સુધી હાઇવે પર પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામ થયો હતો તેમજ આઈટીઆઈ, ગુરુકુળ રોડ, શ્રીનાથ જનતાનગરમાં પાણી ફરી વળ્યાં હતાં.

ઊંઝા તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. વસસાદી માહોલ વચ્ચે વહેલી સવારે આશરે છ વાગ્યાના આસપાસના સમય ગાળા દરમિયાન ઊંઝા પાટણ રોડ પર આવેલા આદિત્ય બંગલોજના છ જેટલા મકાનો પર વીજળી ત્રાટકતા ઘરોમાં લાગેલા ઇલેક્ટ્રોનિક ઉપરણોને નુકશાન પહોંચ્યું હતું.સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે ૬ વાગ્યાના આસપાસના સમય ગાળા દરમિયાન એકાએક વીજળી ત્રાટકતા ઘરોમાં લાગેલા સાતથી ૮ જેટલા પંખા, આશરે ૨૫૦૦ રૂપિયાની કિંમતની એક મૈન સ્વીચ અને એક ટીવી ઉડી ગયું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.