ઊનાના સનખડાના માલણ વિસ્તારમાં વાવાઝોડાના ૨૭ દિવસે પણ અંધારપટ
ઊના: તાઉતે વાવાઝોડાના એક માસ જેટલો સમય થવા આવ્યો છે. છતાં પણ આ વિસ્તારમાં હજુ પણ અંધારા ઉલેચાયા ન હોય લોકો વન્યપ્રાણીના ભયથી ફફડી રહ્યા છે. તો પશુધન પાણી વગર તરસી તડપી રહ્યા છે. દેશની સરહદ પર માં ભોમની રક્ષા કરતા સનખડા ગામ અને તેનો માણલ વાડી વિસ્તારની અંદાજીત પંદરસો વસ્તી ધરાવતા આ વિસ્તારમાં રહેતા ખેડૂતોની સેંકડો એકર જમીનના બાગાયતી અને અન્ય સીઝન આધારીત ખેતી વ્યવસાય વાવાઝોડાની તબાહીના કારણે વેરાન બની જતાં આ પરીવારોની હાલત દયનિય બની ગઇ છે.
ઊનાથી ૨૦ કિ.મી.અંતરે આવેલા ગોહીલ દરબારની વધુ વસ્તી ધરાવતા સનખડા ગામ અને તે ગામથી ૨ કિ.મી. અંતરે આવેલ માલણ વિસ્તારમાં ૧૫૦૦ જેટલા પરીવારોની વસ્તી ખેતીવાડી વ્યવસાય કરી પરીવારો સાથે વસવાટ કરે છે. ગત તા. ૧૭ મે.ના વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દેતા આ વિસ્તારમાં ફળ જાળ વૃક્ષો જમીન દોષ થયા હતા. મકાન અને ઢાળીયાના પતરા છાંપરા, ઇલેક્ટ્રીક થાંભલા વાયરો સંપૂર્ણ નાશપામેલ છે. પરંતુ એક માસ જેટલો સમય થવા છતાં પણ માલણ વિસ્તાર માં કોઇ અધિકારી કે તંત્ર દ્રારા નિમાયેલ સર્વે ટીમ પહોચી નથી. અને સહાય પણ ચુકવાય નથી.
માલણનેશ રાવલ નદી કાંઠે આવેલ હોય ચોમાસાના વરસાદના કારણે જમીનોનું ધોવાણ થઇ જતુ હોવાથી ખેતીને બચાવવી મુશ્કેલ બને છે. સનખડા વિસ્તારની ખેતી પાકો કપાસ, તલ, મગ, જુવાર, બાજરી, મરચા, નારીયેળી, આંબા સહીતના બાગાયતી અને કંઠોળ પાકની કરાય છે. આ કૃષિ પાકો માટે પાણી પુષ્કળ હોવા છતાં વિજળીના કારણે વાવેતર થઇ શકે તેવી સ્થિતી રહી નથી. આમ વાવાઝોડાની ભારે તબાહી બાદ લોકોનું જનજીવન ધમધમતુ કરવા વહીવટી તંત્ર નિષ્ફળ રહ્યુ છે. લાખોનું નુકસાન થવા છતાં સહાય પાઇની પણ ગામ સુધી પહોંચી નહી હોવાનો વસવસો લોકોમાં જાેવા મળી રહ્યો છે.
સનખડા ગામથી ૨ કિ.મી.દૂર માલણમાં ખેતીવાડી ધરાવતા અને સંયુક્ત બાપ દાદાના ભાઇઓના પરીવારમાં રહેતા બિપીનભાઇ જાેરૂભાઇ ગોહીલએ જણાવેલ કે અમારા પરીવારના ૮ સભ્ય આર્મીની વિવિધ પોસ્ટ પર ફરજ બજાવીએ છીએ અને સનખડા ગામના કુલ ૩૫ જેટલા જવાનો દેશની સરહદો પર રક્ષા કરીએ છીએ
અમારા મકાનો વાડી વિસ્તારમાં આવેલા છે. લાઇટના અભાવે મુશ્કેલી ભોગવી રહ્યા છે. માલણ વિસ્તારમાં ખેતી સાથે ડિઝલ મશીનમાં ધંટી ચલાવતા નાનુભાઇ ગોહીલએ પોતાની વેંદના જણાવેલ કે ખેડૂતના દિકરા હોવા છતાં ત્રણ દિવસ તો ગોળ અને બાફેલ બાજરો ખાઇ ભુખના દિવસો કાઢ્યા હતા.
માલઢોરના ઢાળીયા અને મકાનોના નળીયા છાપરા અને વૃક્ષો બાગાયતી ઝાડ પડી ગયા છે. છતાં સહાય મળી નથી. અને કોઇ રાજકીય નેતા અધિકારીઓ ડોકાયા નથી કુવામાં પાણી છે. પરંતુ ડિઝલ મશીન પોસાતુ નથી એટલે ધર પુરતુ અનાજ અને પશુ પુરતુ પાણી અવેડામાં ભરી મશીન બંધ કરી દે છે.