ઊનાળામાં સવિશેષ થતાં ચામડીના ઉપદ્રવો-ખસ, ખુજલી, ખરજવું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Itching-scaled.jpeg)
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/ShriramVaidya-logo-1024x508.jpg)
ચામડીના આજે તો ઘણાં ઉપદ્રવો જાેવા મળે છે. કેટલાકને શરીરમાં જ્યાં પસીનો થતો હોય (મોટા ભાગે મોટા સાંધા અને કમરનો ભાગ) ત્યાં નાના-નાના ગોળાકારમાં ઉપસેલાં ચકામા થાય, પસીનો થતાં ખૂબ જ ખંજવાળ અને બળતરા શરૂ થાય, કેટલાકને હાથના આંગળાઓમાં સફેદ મોતી જેવી ફોલ્લીઓ થાય.
ખંજવાળ પીડા અને બળતરા પણ થાય. જ્યારે કેટલાક ચામડીનાં દર્દાેમાં ચામડી ભારે ખંજવાળ, દાહ અને પીડા થાય અને દર્દી ખૂબ જ ત્રાસી ઉઠે છે. કેટલાકને નિશ્ચિત સમયે કેટલાક વિચિત્ર ત્રાસજનક દર્દાેમાં દાઝ્યા પછી થતા ફોલ્લા બળતરા સાથે ભારે પીડા થાય. જ્યારે કેટલાકને જ્યાં-જ્યાં ખંજવાળે ત્યાં પાકી ઉઠે, સોજાે આવી વળી કેટલાકને પગના તળિયામાં ફોલ્લા પરૂથીસ રસથી ભરાયેલા થાય અને તેની અસહનીય પીડાથી રોગી ત્રાસી ઉઠે છે.
આ ઉપરાંત ચામડીના જાણીતા વિકારોમાં લીલા-સૂકા ખરજવાના ઉપદ્રવો પણ ખૂબ જ ત્રાસદાયક છે. આ ઉપરાંત, માત્ર ખંજવાળ આવવાથી સોજાે થઈ આવે અને તેમાં પીડા પણ ન હોય તેવા ચામડીના ઉપદ્રવો આજે સવિશેષ જાેવામાં આવે છે. અને તેનાં નિદાનમાં એલર્જીને જ મુખ્ય કારણ માનવામાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આવા ચામડીના વિકારો-ઉપદ્રવો અને રોગોમાં ધીરજપૂર્વક ઉપચારો કરવાથી ફાયદો મેળવી શકાય છે.
(૧) સારીવા ટેબ્લેટ:- આ ટેબ્લેટ એ રસમાણિક્ય, ગંધક રસાયન, બંગભસ્મ, ચોપ-ચિન્યાદી ચૂર્ણ, આરોગ્ય વર્ધીની, ત્રિફળા ચૂર્ણ, તાલસિંદર અને મંજીષ્ટાદિ કવાથના ચૂર્ણ અને વ્યાધિકરણ રસ (અલ્પપ્રમાણમાં)નું મિશ્રણ છે. એક ગોળી સવાર-સાંજ સારિવા સિરપ સાથે લેવી. આ ગોળીમાં રહેલ મંજીષ્ટાદિ ચૂર્ણ ઉદર વિકાર તેમજ લોહીમાં રહેલ રહેલ વિષનો નાશ કરે છે. જેથી લોહી વિકાર, ખસ, ચામડીના રોગો મટે છે. આ ગોળી રક્તમાં લીન થયેલ વિષ અને જંતુઓને બાળી લોહી શુદ્ધ કરે છે. આ ગોળી ચામડીના રોગોના કારણરૂપ જંતુઓનો નાશ કરે છે.
![]() |
![]() |
આ ગોળીમાં રહેલ ગંધક રસાયણથી વીર્યની વૃદ્ધિ થઈ શરીર બળવાન બને છે. અને પાચનશક્તિ પણ બળવાન બને છે. ગંધક રસાયણ જે રોગોમાં વપરાય છે. તે રોગો જેવા કે પેશાબમાં હાથ-પગમાં ઉંદરમાં આખા શરીરમાં ખાસ કરીને માથામાં અને ગળામાં શૌચ જતી વખતે બળતરા થવી, હાથ-પગ પર ઠંડા પાટા મૂકી રાખવાની ઈચ્છા થવી વગેરે લક્ષણો થાય. ત્યારે પિત્તની તીક્ષ્ણતા વધી છે. તેમ જાણવું. ઉનાળામાં આ તકલીફો વધુ જણાય છે. આ તકલીફો દૂર કરવા માટે આ ગોળી ઉત્તમ સાબિત થઈ છે. ચામડી પર નાની-નાની ફોલ્લીઓ, તદ્દન સૂકી ખંજવાળ શરીર પર ખૂબ ખંજવાળથી બળતરા થવી. કોઈવાર લોહી નીકળવું વગેરે લક્ષણો હોય ત્યારે આ ગોળીનું સેવન કરવાથી લાભ જણાય છે.
ઉપરનો ઉપચાર કરતાં જાે પિત્તની અધિકતા હોય તો આ ગોળીઓ સાથે ૨ રતી મોતીની પીષ્ટી કે પ્રવાલ પીષ્ટી મેળવી પડીકી બનાવી સવાર-સાંજ લેવી. કફની અધિકતા હોય તો આદુનો રસ ગોળી સાથે મેળવી લેવો. વર્ષાેથી મારી પ્રેક્ટીસમાં પિત્તની જ્યાં અધિકતા છે, દાહ છે, ઉષ્ણતા છે, ચામડીમાં કાળાશ વધતી જતી હોય અને ચામડીનો રંગ એકસરખો ન હોય અને સાથે ચામડીના ઉપરનાં દર્શાવેલાં ઉપદ્રવોમાં નીચેનો પ્રયોગ ખૂબ જ લાભજનક જણાયો છે.
ધોળી ચણોઠી તો ૧૦ તેને દાળ બનાવવાની ઘંટીમાં દાળ બનાવી, એક તોલે એક શેર ગાયનું દૂધ લેવું અને તે દૂધમાં ભરડી નાંખેલી ચણોઠી તો.૧૦ની પોટલની કરી. દૂધમાં નાખી દેવી અને દૂધ ભરેલી તાવડીને ચૂલા ઉપર મુકવી અને જ્યારે ચણોઠી ખૂબજ બફાઈ જાય ત્યારે ઉતારી સૂકવી ખાંડી લેવું અને બારીક ચૂર્ણ કરવું. આ ચૂર્ણ જેટલી પ્રવાસ ચંદ્રપુરી અને શુક્તિભસ્મ સરખે ભાગે મેળવી બાટલી ભરી લેવી.
માત્રાઃ- ૧ વાલ-દૂધ, સાકર અથવા ઘીમાં લેવી. આ ઔષધોના થોડા દિવસના સેવનથી ચામડીના વિકારો, કાળાશ, તજાગરમી, રક્તદોષ મટી ચામડી સુંદર બને છે.
પીળું તેલ:- રક્તચંદન, બબુલત્વક, દુરાલભા, કાંચનારત્વક, આમલકી, ચંદન, ખદીરત્વકમાંથી પીળુ તેલ બનાવવામાં આવે છે. બળતરા, ખંજવાળ, ખસ, ખરજવું, રીંગવોર્મ (દાદર) જેવા ચામડીના રોગો મટાડે છે. ચામડીની બરછટતા દૂર કરી આ તેલ ચામડીને મુલાયમ રેશમ જેવી સુંવાળી બનાવે છે. આ તેલ ચામડીની ઉષ્ણતા, દાહને દૂર કરી ચામડી ઉજળી બનાવે છે.
ઉનાળામાં ચામડીનાં રોગોથી બચવા પ્રીવેન્ટીવ તરીકે પણ આ તેલનો ઉપયોગ કરવો જાેઈએ. ચામડીના રોગોમાં આજકાલ ખસ-ખરજવાનો વ્યાપ અતિશય વધેલો જાેવામાં આવે છે. અને ચામડીના તમામ રોગોમાં આ રોગ સૌથી વિશેષ ચેપી રોગ માનવામાં આવ્યો છે. આ રોગનો ચેપ ફેલાવવામાં કૂતરા-ગલૂડિયાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રોગ એક પ્રકારના સૂક્ષ્મ જંતુ-બારીક કીડાઓ કે જે પ્રાણી વર્ગના છે, જેનો આકાર સાધારણ રીતે કાચબા જેવું હોય છે તેના શરીર પર વાળ પણ હોય છે. તેમાં નર અને માદા જુદા-જુદા હોય છે.
જેમાં માદા મોટી હોય છે. આ માદા માનવીની ચામડી ખોતરીને ત્વચામાં પ્રવેશી ચામડીની અંદર પોતાના ઈંડા મૂકે છે. અને ચામડી પર ફોલ્લો થાય છે તેમાં નાની રેખા હોય છે જેમાં તે રહે છે અને સંસર્ગથી આ રોગ ઝડપથી ફેલાય છે. ઘણું કરીને આ રોગ ગંદા લોકોને થાય છે. શરીર અને કપડાની સ્વચ્છતા ન રાખનારા લોકોમાં આ રોગનો પ્રસાર બહુ હોય છે. આ રોગોના ઉપચારોમાં એલોપેથીક ઉપચારમાં એન્ટીબાયોટીક અને સ્ટીરોઈડ હોય છે. જે લેવાથી તે સમયે રોગ પણ ગયો તેવી પ્રતીતિ થાય છે.
પરંતુ અહીં તેનું મૂળ તો રહી જ ગયું હોવાના કારણે છેવટે તો તેનું પુનરાવર્તન જ થાય છે માટે જડમૂળથી દરદથી છૂટકારો પામવા માટે આયુર્વેદિકમાં છે ઉત્તમ ઉપચારો જેવા કે રોધક રસાયન ટેબ્લેટ ૧-૧ ગ્રામ સવાર-સાંજ મધ સાથે લેવી.
એક અસરકારક ટીકડી:- આ ટીકડીમાં માત્ર કીટમારી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે એલર્જી એટલે શરીરની અસામ્યતાના દરદો વધ્યા છે.
આયુર્વેદ માને છે કે શરીરની રસક્રિયા બરાબર ન થતાં આમનો ઉપદ્રવ પેદા થાય છે ત્યારે ધીમે-ધીમે શરીરની (ક્ષમતા શક્તિ) પ્રતિરોધક શક્તિ જે રોગની સામે સામનો કરે છે. તેનો હ્રાસ થાય છે. પરિણામે અસાભ્યજન્ય રોગ પેદા થાય છે. સીળસ-ઢીમણા ઉઠવાને પારચાત્ય વૈદકમાં અર્ટિકેરીયા અને આયુર્વેદમાં શીતપીત્ત કહે છે.
માનવ શરીરની કેટલીક સહિષ્ણુતાઓ એટલી બધી વિચિત્રતા ભરી હોય છે કે એક માનવી જે સહન કરી શકે તે બીજા માનવી માટે તદ્દન અસહિષ્ણુતા પેદા કરે છે. તેના કારણોમાં આહાર વિહાર, હવામાન, પ્રકૃતિને સાનુકુળ ન હોય તેવા ઔષધનું સેવન, તિવ્રગંધ, સુગંધ વગેરે ગણ્યા ગણાય નહીં તેટલા એલર્જી થવાના કારણો છે. તેના પરિણામે સીળસ, ઢીમણા, જીવાત કરડી હોય તેવી બળતરા થવી, ખંજવાળ આવવી, કેટલાકને હોઠ કે આંખ અચાનક સૂજી જવી અને થોડા કલાકમાં જ હતી તેવી સ્થિતિ પેદા થવી એ શરીરના કોષો વચ્ચેની રાસાયણિક વિક્રિયા છે. આવા અસાત્મ્યજન્ય ચામડીના વિકારો છે.
આયુર્વેદની દ્રષ્ટિએ જ્યારે લોહી બગડે છે ત્યારે ફોલ્લી, ફુલ્લા, ગુડ, ગુમડ, ખસ, લુખસ, ખરજવા, ચામડી સુજવી, બળવી વગેરે ચામડીના વિકારો પેદા થાય છે. આ રોગો થવામાં કૃમિનો ઉપદ્રવ પણ કારણભૂત લેખાયો છે. ત્યારે કીટમારીનો ગુણ કૃમિનાશક તરીકે સુપ્રસિદ્ધ છે. તેથી કૃમિના ઉપદ્રવમાં પણ આ ટીકડી ખૂબ જ ગુણકારી છે. આધુનિક ત્વચા નિષ્ણાંતો માને છે કે આ રોગો પરોપજીવી જીવાણુના ચેપને લીધે અથવા અસાત્મ્ય વસ્તુના સેવનથી થાય છે. ત્યારે સીળસ, ખંજવાળ, બળતરા વગેરે ઉપદ્રવોમાં ઈઓસીનોફીલીયા લોહીમાં વધી જાય છે. ત્યારે પણ આ ટીકડી એક પ્રભાવી ઔષધ છે.
માત્રા:- ૨ ટીકડી ત્રણથી ચાર વખત લેવી પરંતુ ચિકિત્સકની નજર હેઠળ લેવી જ સલાહભર્યું છે.