ઋષિગંગાનું નવું તળાવ માર્ચ બાદ આફત ઊભી કરી શકે છે
ચમોલી: ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના ઋષિગંગા કેચમેન્ટ ક્ષેત્રમાં એક નવા તળાવ વિશે માહિતી મળ્યા બાદ હવે આ તળાવની સ્થિતિ જાણવા માટે પ્રયાસો ચાલુ છે. નિષ્ણાતોના મતે હાલમાં આ તળાવ કોઈ મોટો ખતરો નથી, પરંતુ માર્ચ પછી આ તળાવ એક મોટી આફતનું જાેખમ બની શકે છે, તેથી તેને વહેલી તકે આ તળાવને હટાવી દેવો જાેઈએ.
એનડીઆરએફના જનરલ ડિરેક્ટર એસ.એન.પ્રધાને રૈણી ગામ ઉપર તળાવની પુષ્ટિ કરી છે. નવા તળાવમાં અત્યાર સુધીમાં ૭૦ કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. તે લગભગ ૩૫૦ મીટર લાંબુ છે જે ફૂટબોલના મેદાનના કદ કરતા ત્રણ ગણા છે, અને જે કુદરતી ડેમ બનાવવામાં આવ્યો છે તે ૬૦ મીટર ઉંડો છે અને તેનો ઢાળ ૧૦ ડિગ્રી છે. જાે આટલી ઉંચાઈએ બનેલા તળાવમાં ગેપ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે તો તે ખતરનાક હોઈ શકે છે.
એસ.એન. પ્રધાને કહ્યું, તળાવનું કદ દરરોજ વધી રહ્યું છે. જાેકે થોડું પાણી પણ નીકળી રહ્યું છે. તેથી અત્યારે તે કોઈ ખતરો હોવાનું જણાતું નથી. આઈઆઈટી ઇન્દોરના ગ્લેસિઓલોજી અને હાઇડ્રોલોજીના સહાયક પ્રોફેસર ડો. મોહમ્મદ ફારૂક આઝમના જણાવ્યા મુજબ ઉપરથી જે કાટમાળ આવ્યો તે ઋષિગંગામાં આવ્યો અને એ જગ્યા પર જમા થયો જ્યાં આ નદી ધૌલી ગંગાને મળે છે. આને લીધે, ત્યાં ધીમે ધીમે પાણી એકઠું થઈ ગયું.
હવે બે બાબતો છે, પ્રથમ હજી શિયાળો છે. આવી સ્થિતિમાં, પાણી ખૂબ જ ઝડપથી ભરાય તેવી સંભાવના નથી. પાણી ધીરે ધીરે ભરાઈ જશે, તેથી અત્યારે બહુ ભય નથી. બીજી વાત એ છે કે ઉપરથી જે કાટમાળ આવ્યો તે મજબૂત નથી. એવામાં પાણીનું પ્રેશર પડતા જ તે તૂંટી જશે. જ્યારે માર્ચમાં ગરમીને કારણે બરફ ઝડપથી ઓગળી જશે અને તે તળાવનું પાણી વધશે.