એએમએને વેચેલા એન-૯૫ માસ્ક ઉતરતી કક્ષાનાં નીકળતાં છેતરપિંડીની ફરીયાદ
કાલુપુરનાં વેપારીએ ભરૂચની બાલાજી કંપની પાસેથી ૪૦ હજાર માસ્ક ખરીદ્યા હતા
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મેડીકલ એસોસીએશન કાલુપુરનાં એક વેપારી પાસે એન-૯૫ માસ્ક મંગાવ્યા હતા. જાેકે તેની ગુણવત્તા સારી ન હોવાથી પરત મોકલ્યા હતા.
આ અંગે વેપારીએ ભરૂચનાં ઉત્પાદક ને ફરીયાદ કરીને માલ પરત લેવાનું કહેતાં તેણે ગલ્લા તલ્લા કર્યા બાદ કોઈ જવાબ ન આપતાં વેપારીએ ભરૂચની કંપની વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.
આનંદભાઈ ગુપ્તા (સેટેલાઈટ) કાલુપુર ખાતે “ગોપી ટેક્ષ ફેબ” નામે કાપડનો ધંધો કરતાં હતા. જાે કે કોરોના કાળમાં ધંધો પડી ભાંગતા તેમણે માસ્કનો ધંધો શરૂ કર્યાે હતો. તેમને મિત્ર મારફતે ભરૂચ અંકલેશ્વર, જીઆઈડીસી એસ્ટેટમાં આવેલી બાલાજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલીવેશન કંપનીનાં માલિક મનીષ ઠુમર સાથે ઓળખ થઈ હતી.
જેણે લેબ રીપોર્ટ, ૧૫૦ સર્ટીફિકેટ, વોટ્સએપ પર મોકલીને પોતે લેબોરેટરી ટેસ્ટ કરીને ૯૫ ટકા એફીસીઅન્સીવાળાં માસ્ક બનાવતાં હોવાનો વિશ્વાસ આપતાં આનંદભાઈએ ૨૧ હજાર માસ્ક મંગાવ્યા હતા. જેનાં નવ લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
બીજી તરફ એએમએ તરફથી તેમને વીસ હજાર માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ થોડાં દિવસોમાં ઉતરતી કક્ષાનાં માસ્ક અંગે ફરીયાદો આવતાં એએમએ તરફથી અડધો જથ્થો પરત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ આનંદભાઈએ બીજાેટીક કોમર્શીયલ નામની કંપનીને પણ માસ્કનો જથ્થો આપતાં તેમણે ભારત સરકારનાં રક્ષા મંત્રાલયનાં ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટમાં રીપોર્ટ કરાવતાં ૫૫ ટકા જેટલી બેક્ટેરીયા ફિલ્ટરની ક્ષમતા આવતાં તેમણે પણ જથ્થો પરત કર્યાે હતો. જેથી આનંદભાઈએ પોતાની રીતે માસ્કની ક્ષમતા તપાસવા આપતાં ૮૧ ટકા એફીસીયન્સી આવી હતી.
જેથી આનંદભાઈએ માસ્ક ઉત્પાદક મનીષભાઈનો સંપર્ક કરતાં પ્રથમ તેમણે ગલ્લા તલ્લાં કર્યા હતા. બાદમાં ફોન બ્લોક કરી દીધો હતો. બધી રીતે મનીષભાઈનો સંપર્ક કરવા છતાં તે જવાબ ન આપતાં છેવટે આનંદભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં બાલાજી ઈન્ફ્રા એલીવેશન કંપનીના ડિરેક્ટર મનીષભાઈ ઠુમર તથા તેમની પત્ની કાજલબેન ઠુમર વિરૂદ્ધ ૧૫ લાખ રૂપિયાની ઠગાઈની ફરીયાદ નોંધાવી હતી.