Western Times News

Gujarati News

એએમટીએસ દ્વારા ૨૨ હજાર મુસાફરોને વિના મૂલ્યે બસ સેવા આપવામાં આવી

પ્રતિકાત્મક

૫૭ કલાક કરફ્યુ દરમ્યાન કાલુપુર સ્ટેશનથી ૬૦૦ ફેરા કર્યા

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા અને શહેરની ધોરીનસ માનવામાં આવતી અમદાવાદ મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ વધુ એક વખત તેની શ્રેષ્ઠતા સાબિત કરવામાં આવી છે. શહેરમાં ૨૦ નવેમ્બરથી જાહેર કરવામાં આવેલા ૫૭ કલાકના કરફ્યુ અને ત્યારબાદ રાત્રિ કરફ્યુના અમલ દરમ્યાન મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોને વિનામૂલ્યેતેમના ઘર સુધી લઈ જવામાં આવી રહ્યાં છે. જનમાર્ગ લીમીટેડ દ્વારા પણ ૫૭ કલાકના કરફ્યુ દરમ્યાન એરપોર્ટથી બસ સેવા આપવામાં આવી હતી.

શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગત શુક્રવાર ૨૦ નવેમ્બરથી સોમવાર ૨૨ નવેમ્બર સવારે ૬ વાગ્યા સુધી ૫૭ કલાકનો કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. કરફ્યુના અમલ દરમ્યાન બહારગામથી આવતા નાગરીકોને તકલીફ ન થાય તે માટે એ.એમ.ટી.એસ.દ્વારા કાલુપુર રેલવે સ્ટેશને ૧૦૦ બસ અને એક ટીમ તૈનાત કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ સર્વિસ ચેરમેન અતુલભાઈ ભાવસારના જણાવ્યા મુજબ શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી ૫૭ કલાકમાં સંસ્થા દ્વારા ૨૨ હજાર મુસાફરોને તેમના ઘર (વિસ્તાર) સુધી લઈ જવામાં આવ્યા હતા. જેના માટે સંસ્થાની ૧૦૦ બસ દ્વારા ૬૦૦ ટીમ લગાવવામાં આવી હતી. મુસાફરો પાસેથી ટિકિટ પેટે કોઈ જ ચાર્જ લેવામાં આવ્યો ન હતો. સોમવારથી શરૂ થયેલા રાત્રી કરફ્યુ દરમ્યાન પણ કાલુપુર રેલવે સ્ટેશને ૧૫ બસ મુકવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસ દરમ્યાન લગભગ ૨૫૦૦ મુસાફરોને તેમના ર સુધી લઈ જવામાં આવ્યા છે.

અગાઉ, લોકડાઉન દરમ્યાન શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી હતી તે સમયે પણ સંસ્થા દ્વારા પૂરતી સગવડ કરવામાં આવી હતી. તેમજ ૧૪મી મેએ દિવસથી અમદાવાદ આવેલી રાજધાની ટ્રેનના મુસાફરોની સુવિધા માટે પણ કુલ ૪૦ બસ સ્પેર રાખવામાં આવી હતી. આર.ટી.ઓ.સાથે સંક્રલન કરીને તે સમયે સાબરમતી રેલવે સ્ટેશનતી વટવા, ઘુમા ગામ, થલતેજ ગામ, સરખેજ, સીંગરવા, પ્રહલાદનગર, ન્યુ ઈન્ડિયા કોલોની, નોબલ નગર સહિતના વિસ્તારો માટે બસ સેવા પૂરી પાડવામાં આવી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે લોકડાઉન દરમ્યાન એસ.વી.પી.તથા સીવીલ હોસ્પિટલના સ્ટાફ માટે તેમજ વિવિધ વિસ્તારોમાંથી કોરોના દર્દીઓ માટે પણ એ.એમ.ટી.એસ દ્વારા બસ સેવા આપવામાં આવી હતી.

શહેરમાં ૫૭ કલાકના કરફ્યુ દરમ્યાન જનમાર્ગ લીમીટેડે પણ એરપોર્ટને સાંકળતી બસ સેવા પૂરી પાડી હતી. ગત શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવાર સુધી એરપોર્ટથી લગભગ ૯૦૦ મુસાફરોને તેમના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા. આ દરમ્યાન ૬૫ ફેરા કરવામાં આવ્યા હતા. હાલ, રાત્રી કરફ્યુનો અમલ હોવાથી મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસ અને જનમાર્ગ લીમીટેડના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમ છતાં નાગરીકોને કોઈપણ પ્રકારની હાલાકી ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.