એએમટીએસ વેન્ટીલેટર પર: દૈનિક આવકમાં રૂા.૨૧ લાખનું નુકસાન
કોરોનાકાળમાં મનપાની લોનથી પણ પૂરતો ઓક્સિજન મળે તેવી શક્યતા નહીંવત
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એક જમાનામાં એશિયાની શ્રેષ્ઠ પરિવહન સેવા તરીકે જેની ગણના થતી હતી તે એએમટીએસની આર્થિક પરિસ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. દૈનિક રૂા.એક કરોડની માતબર ખોટના કારણે ઘણા વર્ષાેથી ઓક્સિજન પર રહેલી એએમટીએસ કોરોનાના કારણે વેન્ટીલેટર પર આવી ગઈ છે. રાજ્ય સરકારે અનલોક દરમ્યાન ઘણી બધી છુટછાટ આપી છે. તેમ છતાં અમદાવાદના સત્તાધીશો અગમ્ય કારણોસર એએમટીએસની ૫૦ ટકા સેવા જ આપી રહ્યા છે. જેના લીધે ખોટની ખાઈ વધી રહી છે. એક અંદાજ મુજબ એએમટીએસ દૈનિક રૂા.૮૬ લાખની ખોટ કરે છે. કોરોનાના કારણે તેમાં વધારો થઈ શકે છે. કોરોનાના કારણે ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ કફોડી બની છે. તેવી જ રીતે દેવાના ડુંગર તળે દબાયેલ સંસ્થાઓની આર્થિક સ્થિતિ પણ નાજૂક છે. મ્યુનિ.કોર્પાેરેશનની લોન પર નિર્ભર એએમટીએસ હાલત પણ આવી જ થઈ રહી છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
લોકડાઉનના કારણે લગભગ ૭૦ દિવસ સુધી બસ સેવા બંધ રહ્યા બાદ અનલોકમાં પરિવહન સેવા શરૂ થઈ છે. પરંતુ ૫૦ ટકા બસો જ રોડ પર મૂકવામાં આવી હોવાથી આવક પર મોટી અસર થઈ છે. જ્યારે પગાર અને પેન્શન જેવા સ્થાયી ખર્ચમાં કોઈ ફેરફાર થયા નથી. એએમટીએસમાં પગાર-પેન્શન પેટે દર મહિને રૂા.૨૨ કરોડનો સ્થાયી ખર્ચ છે. વાર્ષિક રૂા.૨૬૪ કરોડ કર્મચારીઓને ચૂકવાય છે. તેવી જ રીતે ખાનગી ઓપરેટરોને પણ માસિક રૂા.૧૩ કરોડ અને વાર્ષિક રૂા.૧૫૬ કરોડ ચૂકવાય છે. લોકડાઉનમાં બે મહિના બસ સેવા બંધ રહી હોવાથી કોન્ટ્રાક્ટરોને ૩૦ ટકા જેવું પેમેન્ટ કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં સંસ્થા દ્વારા ૭૦૦ કરતા વધુ બસો રોડ પર મૂકવામાં આવે છે. જેમાં દૈનિક સરેરાશ રૂા.૨૫ લાખની આવક થાય છે. અનલોકમાં ૩૫૫ બસ રોડ પર મૂકવામાં આવી છે. તેમજ પૂર્વ અને પશ્ચિમ સેવા બંધ રાખવામાં આવી છે. જેની સીધી અસર આવક પર થઈ છે. તથા હાલ દૈનિક આવક સરેરાશ ઘટીને માત્ર રૂા.ચાર લાખ થઈ છે.
આમ, દૈનિક આવકમાં રૂા.૨૧ લાખનો ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી ૩૦ ઓગસ્ટ સુધી દૈનિક આવકમાં જ રૂા.૧૯ કરોડ જેટલું નુકસાન થયું છે. જેની સામે સ્થાયી ખર્ચમાં લેશમાત્ર ઘટાડો થયો નથી. થોડો ઘણો ફાયદો બંધ બસનો થયો છે. જેમાં ૧૦૦ ટકાના વચ્ચે ૩૦ ટકા રકમ ચૂકવવામાં આવશે. એએમટીએસ છેલ્લા ઘણા વર્ષાેથી મનપાની લોન પર નિર્ભર છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા દર વર્ષે રૂા.૩૧૫ કરોડ લોન પેટે આપવામાં આવે છે. જે તમામ રકમ ખોટ સરભર કરવામાં ખર્ચ થાય છે. આમ, સંસ્થા દૈનિક રૂા.૮૬ લાખની ખોટ કરે છે. લોકડાઉનના કારણે દૈનિક ખોટમાં વધારો થવાની શક્યતા છે. મ્યુનિ.લોનના રૂા.૩૧૫ કરોડ ઉપરાંત દૈનિક વકરા અને જાહેરાતના વાર્ષિક રૂા.૧૧૦ કરોડની આવક થાય છે.
આમ, સંસ્થાની કુલ વાર્ષિક આવક રૂા.૪૨૫ કરોડ થાય છે. જેની સામે રૂા.૨૬૦ કરોડ પગાર-પેન્શન અને રૂા.૧૬૦ કરોડ ખાનગી કોન્ટ્રાક્ટરોને ચૂકવાય છે. સંસ્થાની રૂા.૪૨૫ કરોડ આવક સામે રૂા.૪૨૦ કરોડનો ખર્ચ થાય છે. અનલોકમાં આવકમાં થયેલ ઘટાડાના કારણે સંસ્થાના નુકસાનમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી સંસ્થા દ્વારા પૂર્વ-પશ્ચિમ સેવા શરૂ કરવા માટે કમીશ્નર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. એએમટીએસ ચેરમેન અતુલભાઈ ભાવસારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુંકે ૨૯ ઓગસ્ટે કમીટી બેઠકમાં રોડ પર વધુ બસો મૂકવા અને પૂર્વ-પશ્ચિમ સેવા શરૂ થાય તે માટે કમીશનર સાથે ચર્ચા થઈ છે. જેના સારા પરીમામ મળે તેવી આશા છે. સંસ્થાને લોકડાઉનમાં કોઈ જ આવક થઈ નથી તેમ છતાં ખર્ચમાં ઘટાડો કરીને ફાયદો થયો છે. સામાન્ય દિવસોમાં ખાનગી ઓપરેટરોને દર મહિને રૂા.૧૩ કરોડ ચૂકવવામાં આવે છે.
એપ્રિલ અને મે મહિનાના રૂા.૨૬ કરોડ ચૂકવવાના થાય તેમ હતા પરંતુ લોકડાઉનના કારણે બસ સેવા બંધ રહી હોવાથી ૩૦ ટકા રૂા.૭.૮૦ કરોડ ચૂકવાયા છે. તેથી રૂા.૧૬.૫૦ કરોડની બચત થઈ છે. જેની સામે માસિક સરેરાશ આવક રૂા.૭.૫૦ કરોડ લેખે ગણતરી કરીએ તો રૂા.૧૫ કરોડની આવક ગુમાવી છે. કોન્ટ્રાક્ટરોના રૂા.૧૮.૫૦ કરોડની બચત સામે રૂા.૧૫ કરોડની આવકના નુકસાનની ગણતરી કરવામાં આવે તો પણ બે મહિનામાં સંસ્થાને રૂા.૩.૫૦ કરોડનો ફાયદો થયો છે. ચેરમેનની ગણતરી આમ તો બરાબર છે. પરંતુ આ ગણિતને રાજકીય ગણવું કે કેમ ? તેનો જવાબ વાંચકો જ આપી શકે તેમ છે.