AMCએ માસ્ક વગરના લોકો પાસેથી રૂ.ત્રણ લાખથી વધુ વસૂલ્યા
અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યરત જેટની ટીમ જાહેરમાં માસ્ક ન પહેરતા લોકોને ઝડપી પાડીને તેમની પાસેથી પ્રતિ વ્યક્તિ રૂ.૧૦૦૦નો દંડ વસૂલી રહી છે. વચ્ચે ઉત્તરાયણના તહેવારોના કારણે તંત્રની આ કામગીરી શિથિલ રહી હતી, જાેકે હવે છેલ્લા બે દિવસમાં ફરી સત્તાવાળાઓએ સપાટો બોલાવ્યો હોઇ માસ્ક ન પહેરતા લોકો પાસેથી રૂ.ત્રણ લાખથી વધુ રકમનો દંડ વસૂલ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં સામાન્ય કરતા અભૂતપૂર્વ ઉછાળો જાેવા મળી રહ્યો છે અને તેમાં પણ એકસાથે અનેક લોકોને સંક્રમિત કરતા નવા ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોરોનાએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે, જાેકે હજુ હોસ્પિટલાઇઝ કેસની સંખ્યા તંત્રના ચોપડે ભલે ઓછી દેખાતી હોય તેમ છતાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
ગઇકાલે તો કોરોનાએ ત્રણ દર્દીનો ભોગ લીધો હતો એટલે આગામી દિવસોમાં કોરોનાનો મૃત્યુઆંક પણ વધી શકે તેવી દહેશત તબીબોએ વ્યક્ત કરી છે. મ્યુનિ. તંત્ર દ્વારા જાહેરમાં માસ્ક ન પહેરતાં લોકોને પકડીને પેનલ્ટી કરવાની કામગીરી અંતર્ગત ગત ૧ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધીમાં કુલ ૨૫.૭૫ લાખનો દંડ વસૂલ્યો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમના ચેકિંગ દરમિયાન કુલ ૨૪૪૯ લોકો માસ્ક વગર મળી આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે તેમજ માસ્ક વગરના લોકો મળી આવતા વગર મળી આવતા કતાર એરવેઝ અને વિડા ક્લિનિકલ રિસર્ચ પાસેથી રૂ.એક લાખનો દંડ વૂસલાયો હતો. ઉપરાંત લાલ દરવાજા પાથરણા બજાર અને નહેરુનગરવાળા પાસેથી પણ રૂ.૨૫ હજારનો દંડ વસૂલાયો હતો.
રસમ હોટલ અને મિની ડી-માર્ટમાં રૂ.૧૧ હજાર વસૂલાયા હતા. તેમજ કોવિડ ગાઇડલાઇનનું પાલન ન કરવા બાબતે પશ્ચિમ ઝોનના લો ગાર્ડન પાસેના વી-માર્ટને પણ સીલ કરાયું હતું. તંત્ર દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૪૮૬ લોકોને પકડી કુલ રૂ.૪.૮૬ લાખનો દંડ વસૂલાયો હતો.
ત્યાર બાદ દક્ષિણ ઝોનમાંથી ૩૯૦ લોકો પાસેથી કુલ રૂ.૩.૯૦ લાખનો દંડ, પશ્ચિમ ઝોનમાંથી ૩૬૬ લોકો પાસેથી કુલ ૩.૭૭ લાખનો દંડ, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી ૩૫૮ લોકો પાસેથી કુલ ૪.૭૩ લાખનો દંડ, પૂર્વ ઝોનમાં ૩૦૮ લોકો પાસેથી રૂ.૩.૧૮ લાખનો દંડ, મધ્ય ઝોનમાં ૩૦૩ લોકો પાસેથી રૂ.૩.૦૩ લાખનો દંડ અને ઉત્તર ઝોનમાં સૌથી ઓછા ૨૨૮ લોકો પાસેથી કુલ રૂ.૨.૨૮ લાખનો દંડ વૂસલ કરવામાં આવ્યો હતો.