એએમસીને છેવટે નવા ડોમ ઊભા કરવાની ફરજ પડી

File
અમદાવાદ, શહેરમાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો હોઇ રોજેરોજ તેના કેસના વના રેકોર્ડ નોંધાઇ રહ્યા છે. ગઇકાલે કોરોનાના નવા કેસનો આંક ૪૦૦૦ને પાર કરીને ૪૪૦૯એ પહોંચ્યો હતો, જે હાલની થર્ડ વેવમાં કોરોનાના કેસનો ઉચ્ચ આંક છે. આ રીતે જાે કોરોનાના બ્લાસ્ટ થતાં રહેશે તો ૪૮ કલાકમાં કોરોનાના નવા કેસ ૫૦૦૦થી પણ ઉપર થઇ જશે. કોરોનાનો કહેર સતત વધતો જતો હોઇ એએમસી પણ સ્તબ્ધ બની ગયું છે.
મ્યુનિ. બોર્ડ તેમજ કમિટીએ હવે રૂબરૂ થવાના બદલે ઓનલાઇન થવા લાગી છે. દાણાપીઠ ખાતેના મ્યુનિ. મુખ્યાલયના સ્ટાફમાં પણ કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. આવા કોરોનાના પ્રકોપ વચ્ચે તંત્રને છેવટે તેના ટેસ્ટિંગના ડોમ વધારવાની ફરજ પડી છે.
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સ્વાભાવિકપણે લોકો પતંગ ચગાવવાના મૂડમાં હતા એટલે પોતપોતાના ધાબે ચઢીને એ કાઇપો છે, લપેટ જેવી બૂમો પાડવામાં અને ડીજેના તાલે નાચગાનમાં મશગુલ હતા. ઘણા તો બહારગામ ફરવા નીકળી ગયા હતા. મ્યુનિ. તંત્રના ડોમમાં પણ બે દિવસ રજાનો માહોલ હતો જેના કારણે ટેસ્ટ ઘટવાથી કેસ પણ ઘટ્યા હતા.
ઉત્તરાયણના દિવસે શહેરમાં ૩૦૯૦ કેસ નોંધાયા હતા એટલે કેસની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો હતો. ૧૫ જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણે નવા કેસમાં ઓર ઘટાડો થઇને ફક્ત ૨૬૨૧ કેસ તંત્રના ચોપડે ચઢ્યા હતા. સ્વાભાવિકપણે કોરોનાના આ કેસના આંકડા તહેવારોના કારણે છેતરામણા હતા.
ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ ફરી શહેર કોરોનાના અજગરી ભરડામાં આવી ગયું છે. થર્ડ વેવની સુનામીથી અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો હોઇ ગઇ કાલના ૪૪૦૯ કેસ પ્રતિકલાકે ૧૮૪ નાગરિકને કોરોનાનું સંક્રમણ દર્શાવતા હતા એટલે લોકોમાં કોરોનાની સેકન્ડ વેવ જેવો ફરી ફફડાટ જાેવા મળી રહ્યો છે.
બીજી તરફ શરદી-ખાંસી, તાવના દર્દીઓ વધવાથી પણ કોરોના કે ઓમિક્રોનના ચેપથી દહેશતથી આ દર્દીઓ ફફડી ઊઠ્યો છે. પરિણામે ઘરે કોરોનાના ટેસ્ટ કરવા કે પછી ખાનગી લેબમાં જઇને ટેસ્ટ કરાવવાની સાથે-સાથે મ્યુનિ. તંત્રના ટેસ્ટિંગ ડોમની બહાર પણ લોકોની લાંબી લાઇનો લાગી રહી છે શિયાળાની કડકડતી ઠંડીના દિવસોમાં પણ સવારથી જ અનેક લોકો ડોમમાં કોરોનાનું ટેસ્ટિંગ કરાવવા પહોંચી રહ્યા છે એટલે બપોરના એક વાગ્યા સુધીમાં તો અનેક ડોમમાં કોરોનાના ટેસ્ટિંગ માટેની કિટ ખૂટી જવાથી ટેસ્ટિંગ કામગીરી બંધ કરવી પડે છે, પરિણામે સાંજના સુમારે અનેક સિનિયર સિટીઝનોને સૂમસામ થયેલા ડોમને જાેઇ નિરાશ થવું પડે છે.
હવે જ્યારે નાગરિકોમાં કોરોનાના ટેસ્ટિંગની જાગૃતિ વધી છે ત્યારે મ્યુનિ. તંત્રને પણ શહેરમાં નવા ડોમ ઊભા કરવાની ફરજ પડી છે. ભયભીત થયેલા લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે ડોમની તલાશમાં હોય છે તેમ છતાં પણ તંત્ર દ્વારા ડોમની યાદી વેબસાઇટ કે ટિ્વટર પર અપાતી નથી. આ ખરેખર તંત્રની બેદરકારી દર્શાવે છે. તંત્ર દ્વારા નવા ચાર ડોમ ઊભા કરાતા લોકોને આંશિક રાહત મળશે. આ ચારેચાર ડોમ ઉત્તર-પશ્ચિમ ઝોનના છે, જે પૈકી ન્યુ ગોતામાં બે ડોમ અને ઘાટલોડિયા તેમજ થલતેજમાં એક-એક ડોમ શરૂ કરાયા છે.