એકના ડબલની લાલચ ભારે પડી, યુવાને સાડા ચાર લાખ રુપિયા ગુમાવ્યા
ગાંધીનગર, ગાંધીનગરમાં મકાન લે-વેચનો ધંધો કરતા દલાલને કેમિકલ વડે જુની નોટોને કડકડતી બનાવીને એના ડબલ રૂપિયા આપવાની લાલચ આપી સાડા ચાર લાખનો ચૂનો લગાવીને ગઠિયા કળા કરી ગયા હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવા પામી છે.
કહેવત છે કે, ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.’ આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં મકાન લે વેચનો ધંધો કરતા દલાલ સાથે બન્યો છે. ગાંધીનગરના રાદેસણ ઝ્ર ૩૦૪ સત્યમેવ રિવેરા સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય દક્ષેશ મહેશભાઈ પટેલ ત્રણ મહિનાથી ધોળેશ્વર ગામમાં આવેલાં મહાદેવના મંદિર બેસવા માટે જતો હતો તે દરમિયાન તેની ઓળખાણ અમદાવાદના ઇસનપુર વ્રજભૂમિ સોસાયટી મ્-૪૬ વિભાગમાં રહેતા શૈલેષ રમણભાઈ પંચાલ સાથે થઈ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.
થોડા સમય પછી શૈલેષ પંચાલે દક્ષેશને કહ્યું હતું કે, આણંદ વાળા સાહેબ પૈસા ડબલ કરી આપે છે. તારી પાસે પૈસા પડ્યા હોય તો વોરા સાહેબ સાથે સંપર્ક કરાવી આપું. આ સાંભળીને દક્ષેશનાં મનમાં લાલચનો કીડો સળવળાટ કરવા લાગ્યો હતો અને તેની વાતો વોરા સાહેબ નામના શખ્સ સાથે ફોન થકી થવા લાગી હતી. આજથી ચાર દિવસ અગાઉ શૈલેષએ ફોન કરીને કહેલું કે, પૈસા ડબલ કરવા હોય તો વોરા સાહેબને ગાંધીનગર બોલાવી લઉં જેથી દક્ષેશે લાલચમાં આવીને હા પાડી દીધી હતી.
જેના પગલે ગઈકાલે સાંજે શાહપુર સર્કલથી ધોળકૂવા જવાના સર્વિસ રોડ પર કારમાં વોરા સાહેબ નામનો શખ્સ અન્ય ત્રણ સાથીદારો સાથે આવી પહોંચ્યો હતો. અને દક્ષેશ સાડા ચાર લાખ રૂપિયા લઈને ત્યાં પહોંચ્યો હતો. બાદમાં કારમાં રહેલા માણસોએ દક્ષેશને એક થેલીમાં રૂપિયા જેવા બંડલ બતાવ્યા હતા. તેમજ એક પીળા રંગનાં પ્રવાહીની બોટલ બતાવીને કહેલું કે અમારી જાેડે એવું કેમિકલ છે જે રૂપિયા પર છાંટતાં જ જુની નોટો નવી કડકડતી થઈ જાય છે.
અમારા સંપર્કમાં એક પાર્ટી છે જે નવી નોટોના બદલામાં ૩૦ ટકા વધુ રૂપિયા આપશે. જાે તું પાંચ લાખ રૂપિયા આપીશ તો તેની સામે છ લાખ ૫૦ હજાર મળશે. આ સાંભળીને દક્ષેશ લલચાઈ ગયો હતો. અને તેણે કેમિકલનો ડેમો જાેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં તેણે સાડા ચાર લાખ રૂપિયા ભરેલી બેગ કાર મુકી હતી.
જ્યાં રોડ સાઈડમાં તેને ડેમો બતાવવાના બહાને કારથી થોડેક દૂર એક શખ્શ લઈ ગયા હતા અને કાર ચાલુ રાખીને વોરા સાહેબ સહિતના ત્રણ શખ્સો બેસી રહ્યા હતા. અને દક્ષેશને ડેમો બતાવવાની વાતોમાં વાળીને તે શખ્સ પણ કારમાં બેસી જઈ ગઠિયાઓ કારમાં ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ દક્ષેશે શૈલેષ પંચાલને ફોન કર્યા હતા અને તેણે પણ દક્ષેશનાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આખરે લાલચમાં સાડા ચાર લાખ રૂપિયા ગુમાવ્યાનો અહેસાસ થતાં દક્ષેશ પટેલે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ઉપરોક્ત શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.