એકની હત્યા થતા બીજાએ જોઈ, અને બંને જણાએ મળીને લાશ દાટી દીધી
અમરેલી, થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના સુપરવાઈઝરની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખ્યો છે. બે આરોપીને પકડી પાડ્યા છે.
રાજુલા તાલુકાના રામપરા-૨ ગામ વિસ્તારમાં આવેલ કોન્ટ્રાક્ટ લોજિસ્ટીક કંપનીમાં અનિલ ચોબાલી સુપરવાઇઝર તરીકે કામ કરે છે. તે મૂળ ઉત્તર પ્રદેશના બાગપતનો રહેવાસી છે. ૧૩ જાન્યુઆરીના રોજ અનિલ ચોબાલીની હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ તેના જ રહેઠાણની પાછળ આવેલી અવાવરું જગ્યામાં તેની લાશ દાટી દીધી હતી.
આ ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે અને બે આરોપીને પકડી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી સિલસિલાબંધ વિગતો કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની હકીકત પર નજર કરીએ તો, મૃતક આ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને એ જ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરી રહેલ બાબુનંદ સરદાર કે જે બિહારનો રહેવાસી હતો અને તે મૃતક અનિલ કુમારની બાજુની રૂમમાં જ રહેતો હતો.
બાબુનંદ સરદાર અહીંની મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને વાત કરતો હતો. તેથી અનિલ કુમાર વારંવાર તેને ટોકતો હતો અને આવી હરકતો કરતા અટકાવતો હતો. આ બાબતનું મનદુઃખ અને દાઝ રાખીને બાબુનંદે ૧૩ જાન્યુઆરીના રોજ અનિલ કુમાર ચોબાલીની રૂમમાં જઈ તેને બોથડ પદાર્થ અને પાવડાનો ઘા માર્યો હતો. જેથી અનિલ કુમાર માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેનુ મોત નિપજ્યુ હતુ.
આ ઘટનાને આ જ કંપનીમાં કામ કરતો અનિલ સરદાર જાેઈ ગયો હતો. ત્યારે બાબુ નંદે તેને કોઈને કહેવાની ના પાડી પૈસાની લાલચ આપી અને વાતને રફેદફે કરી હતી. ત્યારબાદ બીજા દિવસે રાત્રે અનિલ સરદાર અને બાબુનંદ સરદારે કંપનીના રહેણાંકની પાછળના ભાગમાં જ ઊંડો ખાડો ગાળી અને અનિલ ચોબાલીની લાશને દાટી દીધી હતી.
આ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરી રહેલા મગનભાઈ ભાલીયાએ પોતાની કંપનીની પાછળના ભાગે જમીનમાં દટાયેલા લાશ બાબતે પોલીસને જાણ કરી હતી. જેથી પીપાવાવ મરીન પોલીસે ખોદકામ કરાવી દટાયેલી લાશને બહાર કાઢી હતી. આ લાશ અનિલકુમાર આશારામ ચોબાલી ઉર્ફે ત્યાગીની હોવાનુ સામે આવ્યુ હતું.
પીપાવાવ મરીન પોલીસ અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, એફ.એસ.એલ આ તમામ ટીમોએ ટેકનિકલ અને એફએસએલની મદદથી આ લાશના હત્યારાને શોધી કાઢવામાં સફળતા મળી હતી. આ જ કંપનીમાં કામ કરી રહેલા બે ઠેકેદારો તેમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા પોપટની જેમ ગુનો કર્યાની કબૂલાત કરી હતી.
મુખ્ય આરોપી બાબુનંદ સરદારે તેની મદદ કરનાર અન્ય ઠેકેદાર અનિલ સરદારને રૂપિયા બે લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા અનિલ ચોબારીના મોબાઈલમાંથી પેટીએમ કરી ટ્રાન્સફર કર્યા હોવાનું ગુનેગારોએ કબૂલ્યું હતું. હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.HS