એકને ખોળ-એકને ગોળ: કોર્પોરેશનની નીતિઃ ગંદકી કરનારને દંડ ફાયર NOCની નહી લેનાર કોઈ પેનલ્ટી નહિ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: સુરતની તક્ષશિલા આર્કેડની આગની ગંભીર ઘટના-શ્રેયહોસ્પિટલ બની તાજેતરમાં થયેલ કરૂણાંતિકામાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવા છતાં સત્તાધીશોની આંખ ખુલતી નથી. કોરોનાને કારણે જાહેરમાં થુંકવા, ગંદકી કરનારા કે પછી કચરો જાહેરમાં ફેકનારને દંડ કરાય છે. માસ્ક માટે તો દંડ પણ વસુલ કરાતો હતો. પરંતુ ફાયર એનઓસી.ન લેનાર કે પછી ફાયર એનઓસી. રિન્યુ ન કરાવનારી બિલ્ડિંગના સંચાલકોને દંડ કેમ કરવામાં આવતો નથી.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
આ અંગેનો ડ્રાફટ બનાવાયો હતો. પરંતુ તેની અમલવારીમાં રસ દાખવવામાં આવતો નથી. શહેરમાં ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી એકટ ર૦૧૩નો અમલ થઈ રહયો નથી. દરેક ઈમારતોએ ફાયર એન.ઓ.સી લેવી ફરજીયાત છે અને રિન્યુ કરાવવી ફરજીયાત છે. શહેરમાં પાંચ હજારથી વધારે બહુમાળી ઈમારતો છે જે પૈકી ૩૦૬ બહુમાળી ઈમારતો પાસે ફાયર એન.ઓ.સી. નથી. રર૦૦ જેટલી હોસ્પીટલો છે જે પૈકી માત્ર ૯૧ હોસ્પિટલ પાસે જ ફાયર એનઓસી છે.
કોર્પોરેશને એક વર્ષ પહેલા ફાયર એનઓસીના મુદ્દે નીતિ બનાવવા કવાયત કરી હતી. જેમાં એકવાર ફાયર એન.ઓ.સી. લીધા પછી રિન્યુ ન કરે તો તેને નોટીસ આપવાની અને નોટીસ આપ્યા બાદ પણ એન.ઓ.સી. મેળવવાની પ્રક્રિયા ન કરે તો તેવા કિસ્સામાં પેનલ્ટી સાથે બીયુ પરમિશન રદ કરવા સુધીના પગલા લેવાનું નકકી કરાયું હતું. પરંતુ આજદીન સુધી તેનો અમલ કરાયો નથી.