એકબીજાને બચાવવામાં એક જ પરિવારના ૧૨ લોકો સરયૂમાં ડૂબ્યા,૬ મૃતદેહો મળ્યા

અયોધ્યા: ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં શુક્રવારે સાંજે દર્શન કરવા પહોંચેલા એક જ પરિવારના ૧૨ લોકો સરયૂ નદીમાં સ્નાન દરમિયાન ડૂબી ગયા. તે સમયથી પોલીસ અને ગોતાખોરો મળીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. જે દરમિયાન આજે સવાર સુધીમાં ૩ લોકોનો બચાવ થયો છે જ્યારે ૬ શ્રદ્ધાળુઓના મૃતદેહો મળી આવ્યા છે.
પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ તમામ ૧૨ લોકો એક જ પરિવારના હતા જે આગરાથી શ્રીરામ લલાના દર્શન કરવા માટે અયોધ્યા આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગુપ્તાર ઘાટ પર સરયૂ નદીમાં સ્નાન કરવાની યોજના બનાવી. પરંતુ નદીનો તેજ પ્રવાહ પરિવારને કેટલાક લોકોને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તેમને બચાવવાની જદ્દોજહેમતમાં પરિવારના બાકીના લોકો પણ પાણીમાં ઉતર્યા અને પછી ડૂબવા લાગ્યા હતા.
આસપાસના લોકોએ જ્યારે પરિવારની બૂમો સાંભળી તો પોલીસને ઘટનાની જાણ કરી. ત્યારબાદ પોલીસની ટીમ પોતાના તરવૈયાની ટીમ સાથે ત્યાં પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું. ત્યારથી તરવૈયાની ટીમ ડૂબેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કોશિશ કરી રહી છે. હજુ પણ ૩ લોકો લાપત્તા છે. ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે ડટેલા છે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શોક વ્યક્ત કર્યો છે અને બચાવકાર્યમાં તેજીના આદેશ આપ્યા છે.