‘એકલી ક્યાં ગઈ હતી, કોની સાથે સંબંધ ધરાવે છે?’
અમદાવાદ: શહેરના ઈસનપુર પોલીસસ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે ચાર વર્ષથી તેનો પતિ દારૂની લતે ચઢી જતા બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતાં હતા. પણ તાજેતરમાં તેનો પતિ દારૂ પીને આવ્યો હતો અને તે જમવાનું આપતી હતી ત્યારે પતિએ અચાનક જ કહ્યું કે, એકલી ક્યાં ગઈ હતી, કોની સાથે સંબંધ ધરાવે છે ? આટલું કહેતા જ મહિલાથી સહન ન થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ઈસનપુરમાં રહેતી ૪૪ વર્ષીય મહિલાના લગ્ન ૧૯૯૮ માં થયા હતા. તે વડોદરા ખાતે સાસરે રહેતી હતી. પણ બાદમાં પતિ સાથે અલગ અમદાવાદમાં રહેવા આવી ગઈ હતી. અમદાવાદ આવ્યા બાદ છેલ્લા ચારેક વર્ષથી તેનો પતિ દારૂની લતે ચઢી ગયો હતો. અવાર નવાર બને વચ્ચે ઝઘડા થતા હતા અને ક્યારેક તો મહિલાનો પતિ તેની પર હાથ પણ ઉપાડતો હતો.
અગાઉ અનેક વાર મહિલાએ તેના પરિવારજનો ને આ બાબતે ફરિયાદ કરી હતી. પણ ત્યારે મહિલાનો પતિ ‘હવે આવું નહિ થાય તમે મારી પત્નીને પાછી મોકલી આપો.’ તેમ કહી ફોસલાવીને પત્નીને લઈ આવતો હતો.
ગત ૧૦મી જુનના રોજ મહિલાનો પતિ દારૂ પીને આવ્યો હતો. તેમ છતાંય મહિલાએ તેને જમવાનું આપ્યું હતું. દારૂના નશામાં ચૂર થઈ ગયેલા પતિએ અચાનક જ કહ્યું કે, ‘એકલી ક્યાં ગઈ હતી, કોની સાથે સબન્ધ છે ?’ આ સાંભળીને મહિલાથી રહેવાયું ન હતું અને આખરે પિયર જતી રહી હતી. બાદમાં તેણે તેના પતિ સામે ઈસનપુર પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.