Western Times News

Gujarati News

એકશનોથી ભરપૂર ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલ

અમદાવાદ,  માયશા ફિલ્મ્સ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા અપકમીંગ ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલનું ટ્રેલર અમદાવાદમાં આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. જેને લઇ ફિલ્મના હીરો નક્ષરાજ કુમાર, હીરોઇન શિવાની જાષી સહિતની સ્ટારકાસ્ટ અમદાવાદની મહેમાન બની હતી.

ફિલ્મના ડાયરેકટર મિનલ શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, બાબુભાઇ સેન્ટીમેન્ટલ એ ધમાકેદાર એકશન, એડવેન્ચર અને ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ છે, જે અત્યારસુધી આવેલી ગુજરાતી ફિલ્મો કરતાં કંઇક અલગ હશે, જેના કારણે દર્શકોને તે પંસદ આવશે, તેવી અમને આશા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાબુભાઇ સેન્ટીમેન્ટલ એ રીયલ સ્ટોરી પર આધારિત ગુજરાતી ફિલ્મ છે. જેમાં ન્યાયની લડાઇ માટે ઝઝુમતા યુવકનો આક્રોશ રજૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સૌપ્રથમવાર હથિયાર તરીકે ખાટલાનો પાયો પ્રયોગ કરાયો છે કારણ કે, તેની ગરીબ અને મર્યાદિત દુનિયામાં તેને આ એક જ હાથવગુ સાધન હોય છે., તેથી તેનો તે શ† તરીકે ઉપયોગ કરે છે. બાબુભાઇ સેન્ટીમેન્ટલના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર તથા શિવાની જોશી છે. ઉપરાંત, નિસર્ગ ત્રિવેદી, કમલ સિસોદિયા તથા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. મિલન શર્મા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલ આ ફિલ્મનું લેખન રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્‌યૂસર્સ નિધિ મોરી અને વીણા શર્મા છે.

બાબુભાઇ સેન્ટીમેન્ટલનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને તે દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટ્‌સ અને એડિટિંગ ખૂબ જ મહત્વનું છે જે અમીત પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક હિતેશ- વિવેકની જોડીએ આપ્યું છે. મનોરંજનથી ભરપૂર એવી ગુજરાતી ફિલ્મ બાબુભાઇ સેન્ટીમેન્ટલ આગામી તા.૧૭મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.

ફિલ્મના ડાયરેક્ટર મિલન શર્માએ ઉમેર્યું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અવનવા વિષયો પર ફિલ્મ બનતી રહે છે, પરંતુ આ એક અનોખી ફિલ્મ છે. બાબુભાઇ સેન્ટીમેન્ટલ એક એક્શન ફિલ્મ છે, જેમાં મુખ્ય નાયક(નક્ષરાજ કુમાર)નું હથિયાર હોય છે ખાટલાનો પાયો. એક એવો માણસ જે સંવેદનશીલ હોય અને એના જીવનમાં કોઈ એવી ખરાબ ઘટના બને કે જેના કારણે તેણે હથિયાર ઉપાડવું પડે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જે દર્શકોને જરૂરથી પસંદ પડશે.

ફિલ્મમાં ગામડાં તથા કોલેજની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં મુખ્ય નાયક દેવરાજ (નક્ષરાજ કુમાર) એક ગામડાના માણસના લુકમાં જોવા મળશે, જેના પહેરવેશમાં કેડિયું છે અને માથે પાઘડી છે તથા હાથમાં ખાટલાંના પાયાનું હથિયાર હોય છે. ફિલ્મનું મોટાભાગનું શૂટીંગ વડોદરા અને આણંદમાં કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.