એકાદશીએ ડાકોરમાં ઠાકોરજી હાથી પર સવારી નહીં કરે
નડીયાદ: ડાકોરમાં ફાગણી સુદ અગિયારસ આમલી એકાદશીના દિવસે બાળ સ્વરૂપ લાલજી મહારાજ હાથી પર સવાર થઈને નગરચર્યા માટે નીકળતા હોય છે. પરંતુ કોરોના મહામારીના કારણે સેવક આગેવાનો અને વારદારી સેવકોએ ચર્ચા-વિચારણા કરીને હાથી પર સવારી ન નીકાળવાનો ર્નિણય લીધો છે. મંદિરથી ઘોડા પર પાલખી યાત્રા નીકળશે જે લક્ષ્મીજી મંદિરે જશે. આ યાત્રામાં અબિલ-ગુલાલ ન ઉડાડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય શ્રદ્ધાળુઓને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં પણ કોરોના વાયરસના ઘણા કેસ છે ત્યારે સરકાર દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.
ધાર્મિક સ્થળોએ ખૂબ ઓછા લોકો એકઠાં ન થાય તેનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. આ બાબતને લઈને સેવક આગેવાન ભાઈઓ તથા વારદારી ભાઈઓ સાથે મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. ૨૫મી માર્ચે ફાગણ સુદ અગિયારસ આમલી એકાદશી છે. દર વર્ષે આ દિવસે વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે લાલજી મહારાજની સવારી હાથી પર બેસીને નીકળે છે.
પરંતુ આ વખતે કોરોનોનું સંક્રમણ ન ફેલાય અને ભક્તોની સલામતીને ધ્યાનમાં રાખીને આમ નહીં થાય. પરંતુ તેના બદલે ઘોડા પર પાલખી યાત્રા નીકળશે. યાત્રા લાલ બાગ અને ગૌશાળાએ જાય છે. તે પણ જશે નહીં. માત્ર લક્ષ્મીજી મંદિરથી પરત આવશે. યાત્રામાં અબીલ ગુલાલ કે અન્ય કોઈ કલરનો છંટકાવ કરવામાં આવશે નહીં. મંદિર દ્વારા આવો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
લાલજી મહારાજની સવારી પર માત્ર ગુલાબની પાંખડીઓ વરસાવવામાં આવશે. છેલ્લા એક વર્ષથી દેશમાં આતંક મચાવી રહેલી કોરોના મહામારીએ તહેવારો તેમજ ઉત્સવોની ઉજવણી કરવાની આખી રીત બદલી નાખી છે. નવરાત્રી, દિવાળી, હોળી, ઉત્તરાયણ જેવા તહેવારો પર મંદિરોમાં તેની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. જાે કે, એક વર્ષથી તેમ થઈ રહ્યું નથી. મહાશિવરાત્રીએ પણ ભવનાથની તળેટીમાં દર વર્ષે મેળો યોજવામાં આવે છે. જેમાં દેશભરમાંથી લાખો ભક્તો ઉમટે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે રદ કરવામાં આવી હતી અને તેની ઉજવણી માત્ર સાધુ-સંતો પૂરતી સીમિત રહી હતી.