એક્ટર અભિનવ ચૌધરીના પિતા ચાર દિવસથી ગૂમ
મુંબઈ, ટીવી એક્ટર અભિનવ ચૌધરી તેના ૫૮ વર્ષીય પિતા પારસનાથ ચૌધરી ચાર દિવસ પહેલા બેગુસરાઈથી ગુમ થતાં ખૂબ જ પરેશાન છે. એક્ટર, જે હાલ મુંબઈમાં છે તેણે કહ્યું મારા પિતા ૧૪મી ડિસેમ્બરે સાંજના સાત વાગ્યાથી ગાયબ છે. મારો ભાઈ, મમ્મી અને કાકાએ તેમને સાંજે ૭.૪૦ કલાકથી શોધવાનું શરૂ કર્યું હતું. બીજા દિવસે સવારે, તેમને બછવાડા જંક્શન રેલવે સ્ટેશન પાસેથી તેમની સાયકલ મળી હતી. હાલ અમે તેવું અનુમાન લગાવી રહ્યા છીએ કે, તેમણે ત્યાંથી ટ્રેન પકડી હશે. તેમની પાસે ફોન કે પૈસા નહોતા.
રેલવેના અધિકારીઓ સાથે વાત કરતાં, અમને જાણવા મળ્યું હતું કે તે સમયે ત્યાંથી બે ટ્રેન પસાર થઈ હતી. જેમાંથી એક લખનઉ જઈ રહી હતી અને બીજી દિલ્હી. એક્ટરે ઉમેર્યું મારા પિતાની ઊંચાઈ ૬ ફૂટ છે અને તેમણે બ્લેક કલરનું ટ્રાઉઝર, શર્ટ, ડાર્ક ગ્રીન કલરનું હાફ સ્લીવનું સ્વેટર, ગ્રે શૉલ, ગ્રે કલરની ગરમ ટોપી અને કાળા સ્લિપર પહેર્યા હતા.
તેણે જણાવ્યું કે, તેના પિતાને હાલમાં જ ડિપ્રેશન હોવાનું નિદાન થયું હતું. તેમની તબિયત સારી નહોતી અને છેલ્લા ૧૦ દિવસથી સરખા ઊઘતા પણ નહોતા. જ્યારે અમે ડોક્ટરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે તેમને તણાવ અને ડિપ્રેશન હોવાનું કહ્યું હતું. તેઓ કોઈની સાથે વાત કરતા નહોતા. તેઓ હંમેશા તેમની પાસે એક ચિઠ્ઠી રાખતા હતા જેમાં લોકોને તેમની સાથે વાત ન કરવા માટેનું લખ્યું હતું.
મેં ૧૩મી ડિસેમ્બરે તેમની સાથે વાત કરી હતી અને બીજા ડોક્ટર તેમજ અન્ય શહેરમાં લઈ જવા કહ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું ‘અરે મને કંઈ થયું નથી. માત્ર ઊંઘ નથી આવી રહી’. અવાજ પરથી તેઓ લૉ જણાતા હતા.
અભિનવે કહ્યું કે, તેના પિતા દિલ્હીમાં હોય તેવી શક્યતા છે. તેઓ ક્યાં છે તે અંગે અમને કોઈ ખાતરી નથી, પરંતુ તેઓ દિલ્હી અથવા લખનઉમાં હોય તેવી શક્યતા છે, પરંતુ કેટલાક લોકોએ મને કહ્યું કે, તેઓ દિલ્હીના પાંડવ નગરમાં છે.
મારા મિત્રોએ તેમની શોધ કરવાનું શરૂ કરી દીધી છે અને હું પણ દિલ્હી જાઉ તેવી શક્યતા છે. મારા પરિવારે બેગુસરાઈમાં ફરિયાદ નોંધાવી છે અને મેં મારા મિત્રોને પણ દિલ્હી અને લખનઉમાં આ કરવા માટે કહ્યું છે, તેમ તેણે કહ્યું.SSS