એક્ટર સોનૂ સૂદને પ્રવાસી શ્રમિકોને મળવા ન દેવાયો

મુંબઇ, મુંબઇમાં ફસાયેલા પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજય મોકલવાની વ્યવસ્થા કરનાર અભિનેતા સોનૂ સૂદને શ્રમિકોને મળવાથી પોલીસે અટકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સત્તારૂઢ પાર્ટી શિવસેનાએ તાજેતરમાં જ સોનૂ સૂદની ટીકા કરી હતી અને તેઓ ભાજપ દ્વારા લેખિત રાજકીય સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતાને રેલવે સલામતી દળ (આરપીએફના)એ સોમવારે રાત્રે અટકાવી દીધો હતો. તેઓ કેટલાક મજૂરોને મળવા સ્ટેશન પહોંચ્યા હતા. જોકે તેમને આ મામલે અત્યારસુધી કોઇ ફરિયાદ મળી નથી. બાંદ્રા ટર્મિનલથી ઉત્તરપ્રદેશ જતી ખાસ શ્રમિક ટ્રેનથી રવાના થવા જઇ રહી હતી ત્યારે સૂદને અટકાવી દેવાયો હતો. નિર્મલ નગર પોલીસ સ્ટેશનના અધિકારી શશિકાંત ભંડારેએ જણાવ્યું હતું કે ‘એક્ટરને રેલવે પોલીસ દળના જવાનોએ રોક્યા હતા. મુંબઇ પોલીસની આમાં કોઇ ભૂમિકા નથી.
તેઓ ગૃહ રાજ્ય જઇ રહેલા કેટલાક મજૂરોને મળવા માગતા હતા.’ ઉલ્લેખનીય છે કે શિવસેના સાંસદે શ્રમિકોને તેમના વતન જવામાં મદદ કરવાની સોનૂ સૂદની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો અને તેમના પર ભાજપે લખેલી વાર્તા પર કામ કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. જોકે એ જ દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ સૂદની આ પહેલની પ્રશંસા કરી હતી.