એક્ટિવા પર જઈ રહેલા દંપતીને અકસ્માત, મહિલાનું મોત
અમદાવાદ, શહેરના હાટકેશ્વર શાક માર્કેટ પાસે શુક્રવારે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાઈના ઘરે જમીને એક દંપતી વસ્ત્રાલ ખાતેના ઘરે જઈ રહ્યું હતું. આ દરમિયાન એક્ટિવા ચાલક દંપતીને સામેથી આવી રહેલા એક ટ્રક ચાલકે અડફેટે લીધું હતું. ઘટનામાં વાહન ચલાવનાર યુવકને ઇજા પહોંચી છે, જ્યારે તેની પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
એક્ટિવા ચાલકની પત્ની રોડ પર પટકાતા તેના પર ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું. માથું ફાટી જવાના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યું નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલકને કોઈ કાર ચાલક સાથે અણબનાવ બન્યો હતો, જેથી તે કાર ચાલકનો પીછો કરતો હતો.
અથવા એવું પણ હોઈ શકે કે કાર ચાલક તેનો પીછો કરતો હતો. આ કારણે ટ્રકને પૂર ઝડપે હંકારતા અકસ્માત સર્જાયો હતો. જાેકે, પોલીસ ટ્રક ચાલકને છાવરી રહી હોવાનું ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે ટ્રક ચાલક આગળ પણ એક કારને ટક્કર મારીને આવ્યો હોવાથી ગુનાહિત બેદરકારી છતી થઈ છે.
છતાં પોલીસે ૩૦૪છ મુજબ જ ગુનો નોંધ્યો છે. આ ખૂબ હળવી કલમ છે. આરોપી ચાલકની ગંભીર બેદરકારી હોવા છતાં ૩૦૪ની કલમ હેઠળ ગુનો ન નોંધાતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સામે સવાલો ઊભા થયા છે. અમરાઈવાડી ખાતે રહેતા ભુપેશભાઈ યાદવ પ્રોવિઝન સ્ટોર ચલાવી વેપાર કરે છે.
તેમનો ભાઈ દિનેશભાઇ અને પત્ની સુશીલાબેન એક બેંકમાં નોકરી કરે છે. શુક્રવારે રાત્રે દિનેશભાઇ પત્ની સુશીલા સાથે ભુપેશભાઈના ઘરે જમવા આવ્યા હતા. જમીને તેઓ વસ્ત્રાલ ખાતે તેમના ઘરે એક્ટિવા લઈને જઇ રહ્યા હતા. આ દરમિયાન હાટકેશ્વર ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે જ એક ટ્રક ચાલક સામેથી આવ્યો હતો અને તેમના વાહનને ટક્કર મારી દીધી હતી.
ટક્કર વાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં દિનેશભાઇને ઇજા પહોંચી હતી. જ્યારે તેમના પત્ની સુશીલાબેન રોડ પર પટકાયા હતા. રોડ પર પટકાતા જ ટ્રકનું વ્હીલ તેમના શરીર પરથી પસાર થઈ ગયું હતું અને તેમનું માથું ફાટી ગયું હતું. સુશીલાબેનનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.SSS