એક્ટિવા વેચવાના બહાને યુવતિ પાસેથી રૂ.૪૦ હજાર પડાવી લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોક-૧ વચ્ચે અપાયેલી છુટછાટોમાં હવે ગુનેગારો પણ સક્રિય બની ગયા છે શહેરમાં ચેન સ્નેચીંગના બનાવો પણ બનવા લાગ્યા છે અને હવે ગઠીયાઓ પણ છેતરપીંડી આચરવા લાગ્યા છે શહેરના નરોડા વિસ્તારમાં રહેતી એક મહિલાને ગઠીયો ભેટી ગયો હતો અને તેણે પોતે આર્મીમેન હોવાનું જણાવી એક્ટિવા વેચવાના બહાને રૂ.૪૦ હજારની છેતરપીંડી આચરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં લોકડાઉન પહેલા છેતરપીંડીની સંખ્યાબંધ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી ખાસ કરીને વહેપારીઓ સાથે થતી છેતરપીંડીઓની તપાસ કરવા માટે પોલીસ સક્રિય બની હતી આ ઉપરાંત વાહનોની લે-વેચમાં પણ છેતરપીંડીની અનેક ઘટનાઓ નોંધાઈ હતી કેટલીક વેબસાઈટો પર જુના વાહનો મુકી તેને વેચવાના બહાને નાગરિકો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી છે આવો જ એક બનાવ નરોડા વિસ્તારમાં બન્યો હતો જેમાં નરોડા કુમાર શાળા પાસે આવેલી પ્રજાપતિ કોલોની વિભાગ-૧માં રહેતી જૈમીનીબહેન પ્રજાપતિ નામની યુવતિને એક્ટિવા ખરીદવાનું હતું
જેના પરિણામે તે જુનામાં એક્ટિવા ખરીદવા માટે તપાસ કરતી હતી આ દરમિયાનમાં બે મોબાઈલ ફોન નંબર પરથી જૈમીની બહેન ઉપર ફોન આવ્યા હતા અને તેણે પોતાનું નામ વિકાસ પટેલ હોવાનું જણાવ્યું હતું તેણે જણાવ્યું હતું કે તેઓ પોતે આર્મીમાં નોકરી કરે છે અને તેની બદલી થઈ હોવાથી તેનું એક્ટિવા વેચવાનું છે થોડો સમય વાતચીત કરતા જૈમીનીબહેન આ ગઠીયાની જાળમાં ફસાઈ ગયા હતાં.
વાતચીત દરમિયાન આ ગઠીયાએ એટીએમ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરવા જૈમિનીબહેનને જણાવ્યું હતું પેટીએમ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા માટે જૈમિનીબહેને પેટીએમ નંબર ૦૧ર૩૪પ૬ નંબર પર રૂ.૪૦ હજાર ટ્રાન્સફર કર્યાં હતા તપાસ કરતા આ ખાતું દેવચંદ હાડા નામના શખ્સનું છે રૂપિયા ટ્રાન્સફર કર્યાં બાદ જૈમિનીબેને એક્ટિવાની માંગણી કરી હતી પરંતુ રૂપિયા ટ્રાન્સફર કર્યાં બાદ આ શખ્સનો કોઈ જવાબ મળ્યો ન હતો જેના પરિણામે જૈમિનીબહેન પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો જૈમિનીબહેને આખરે તેમણે આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી જે નંબર પરથી ફોન આવ્યા હતા તે નંબરોની તથા એટીએમ ખાતાઓની તપાસ શરૂ કરી છે.