એક્ટીવા પર ખેપ મારતા ૪૪,૦૦૦ નો દારૂ પકડાયો
ઝઘડિયાના વંઠેવાડ ગામ પાસેથી એક્ટિવા ચાલક તથા એકટીવા ઉપર સવાર બે ઈસમો એકટીવા ગાડી મૂકી ફરાર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડિયા પંથકમાં દેશી-વિદેશી દારૂનો ખૂબ મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે.ગતરોજ ઝઘડિયા પોલીસ પ્રોહીબીશન જુગારની ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાસણા ગામથી ઝઘડિયા ગામ તરફ આવતા રસ્તા પર એક એકટીવા ગાડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ લઈ આવી રહ્યા છે.ઝઘડિયા પોલીસે બાતમીના આધારે વંઠેવાડ ગામ પાસે વોચ ગોઠવી હતી.વોચ દરમ્યાન એક ગ્રે કલરની એકટીવા વાસણા ગામ તરફ થી આવતા જણાતા તેને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ એક્ટીવા ચાલકે પુરઝડપે વાહન ચલાવી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો.થોડે આગળ જઈ પોલીસના પીછા દરમ્યાન એક્ટીવા પર સવાર ઈસમો એકટીવા ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા.પોલીસે એકટીવા ગાડી તપાસતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી દારૂની ૯૫ બોટલો મળી આવતા જપ્ત કરી હતી.ઝઘડિયા પોલીસે કુલ વિદેશી દારૂ તથા એકટીવા ગાડી મળી ૪૪,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી ગયેલ બુટલેગરો ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.