એક્સપ્રેસ-વે સહિતના મહત્ત્વના રોડ પર મ્યુનિ.તંત્ર કોરોનાની ‘નાકાબંધી’ કરશે
મતદાનના દિવસથી કોરોના વકરશે તેવી દહેશત સાચી પડીઃ ૨૫ ફેબ્રુઆરીથી વધુ ડોમ કાર્યરત થશે
અમદાવાદ, શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી છે એવું માનતા મ્યુનિ. સત્તાવાળાઓએ એન્ટીજન રેપિડ ટેસ્ટ માટે ઊભા કરાયેલા ડોમને સમેટી લીધા હતા. એસિમ્ટોમેટિક દર્દીની સારવાર માટેની સમરસ હોસ્પિટલને બંધ કરાઇ હતી. સંજીવની વાન સહિતની અન્ય કોરોનાલક્ષી સારવારને લગતી સુવિધા ઘટાડી દેવાઇ હતી અને અમદાવાદને માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા ફ્રી જાહેરા કરાયું હતું,
જાેકે હવે કોરોના પુનઃ વકરતાં મ્યુનિ. તંત્ર દ્વારા મહારાષ્ટ્રથી આવતા વાહનોના ચેકિંગ માટે એક્સપ્રેસ-વે ખાતે તથા અન્ય પરરાજ્યોને શહેર સાથે સાંકળતા મુખ્ય રોડ પર કોરોનાની તપાસ માટે અગાઉની જેમ નાકાબંધી કરાશે.
મતદાનના દિવસ ૨૧ ફેબ્રુઆરીથી અમદાવાદમાં કોરોના વકરશે તેવી દહેશત છેવટે સાચી પડી છે. ચૂંટણીના કારણે ભાન ભૂલેલા નેતાઓ અને કાર્યકરોના કારણે કોરોના રિટર્ન્સ થઇને તેના કેસમાં ઉછાળો આવ્યો છે. આમ તો શહેરિજનોએ પણ ચૂંટણીની ધમાલમાં નિષ્ક્રિય બનીને બેઠેલા મ્યુનિ. સત્તાવાળાઓના કારણે અંદરખાનેથી એવી માની લીધું હતું કે કોરોના ગયો છે,
પરંતુ કોરોનાનું સંક્રમણ શહેરમાં હતું જ અને ચૂંટણી પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હેઠળ પાર પડે તે આશયથી મ્યુનિ. સત્તાધીશોએ ફરી કોરોનાના સત્તાવાર કેસના આંકડામાં ઢાંકપિછોડો કર્યો હતો એટલે જાે અમદાવાદમાં કોરોનાની થર્ડ વેવ ફેલાશે તો તે માટે મ્યુનિ. તંત્રની ઢાંકપિછોડો કરવાની નીતિ પણ એટલી જ જવાબદાર બનશે. અમદાવાદમાં કોરોનાએ માથું ઊંચકતાં તંત્રને ૧૬ જગ્યાએ ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવા પડ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનની બે અને દક્ષિણ ઝોનની એક મળીને કુલ ત્રણ સોસાયટીમાં માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા જાહેર કર્યા છે.