એક્સપ્રેસ હાઈવે નજીક ખાનગી કાર ચાલકોનો ત્રાસઃ૧૦ સોસાયટીના રહીશો એસીપી કચેરીએ પહોંચ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં સીટીએમ એકસપ્રેસ હાઈવે નજીક આવેલી સોસાયટીઓના રહીશોને અવારનવાર ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. કેટલાંક સમય અગાઉ સ્થાનિક લુખ્ખાઓની ધાક ધમકી અને વાહનોમાં તોડફોડ કરવા જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને પગલે ટોળા વળીને પોલીસ સમક્ષ પોતાની કેફીયત રજૂ કરી હતી
વારંવાર પોલીસ સમક્ષ રજુઆતો બાદ આ ત્રાસમાંથી છુટકારો થયો હતો. ત્યાર બાદ હવે એકસપ્રેસ હાઈવેની આસપાસના રહીશો સમક્ષ નવી સમસ્યા ઉભી થઈ હોવાનું બહાર આવ્યું છે કેટલાંક કાર ચાલકો ગેરકાયદેસર રીતે સોસાયટીની બહાર પાર્કિગ કરતા હોવાનું તથા જાહુકમી કરતા આશરે ૧૦ સોસાયટીના નાગરીકો ગઈકાલે મોરચો લઈને ખોખરા ખાતે એસીપીની કચેરીએ પહોંચ્યા હતા.
એકસપ્રેસ હાઈવે પર ખાનગી કાર ચાલકો નાણાં કમાવવા માટે ઉંચા ભાડા વસુલીને ગેરકાયદેસર રીતે ટેકસીની સગવડ ચલાવે છે કોઈ પણ લાયસન્સ વગરના આ ડ્રાઈવરો આસપાસની સોસાયટી આગળ કારનો ખડકલો કરે છે જેના પગલે સોસાયટીના રહીશોને આવવા જવામાં તકલીફ ઉભી થઈ રહી છે ઉપરાંત આ ખાનગી કારને કારણે કેટલાંક ખુમચાવાળા પણ ત્યાં પોતાનો વેપાર કરતા લુખ્ખા તત્વોની બેઠક પણ ઉભી થઈ છે જેના કારણે મહીલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
સોસાયટીના રહીશો દ્વારા આ ખાનગી કારચાલકોને વારંવાર સમજાવવામાં આવ્યા છતાં પોતાની જાહુકમી ચલાવતા કોઈ રસ્તો ન બચતા છેવટે ૧૦ સોસાયટીના રહીશો એકત્ર થઈને ગઈકાલે મોરચો નીકાળ્યો હતો અને ખોખરા ખાતે આવેલી એસીપીની કચેરીએ પહોચ્યા હતા જયાં પોતાની સમસ્યા રજુ કરતા તેમને ઘટતું કરવાની બાંહેધરી આપવામાં આવી હતી. મોટું ટોળું એકત્ર થતાં રાહદારીઓ તથા અન્ય નાગરીકો ઉપરાંત પોલીસતંત્ર પણ એક તબક્કે ચોંકયું હતું.