એક કન્યા સાથે પરણવા બે વરરાજા જાન જાેડીને પહોંચ્યા
ઉત્તર પ્રદેશના કન્નૌજ ખાતે એક અજીબ બનાવ-દુલ્હનનો પ્રેમી જાન જાેડીને પહોંચી જતા બીજી જાનને જાેઈને લોકો અને પરિવારજનો પરેશાન થઈ ગયા હતા
કન્નૌજ, ઉત્તર પ્રદેશના કન્નૌજ ખાતે એક અજીબ બનાવ સામે આવ્યો છે. હકીકતમાં કન્નૌજના એક ગામમાં દુલ્હન સાથે લગ્ન કરવા માટે બે યુવક જાન જાેડીને પહોંચી ગયા હતા. એક માંડવે બે જાન આવતી પહોંચતા લોકોને અચરજ થયું હતું. જે બાદમાં પંચાયત અને પોલીસે દરમિયાનગીરી કરીને ઝઘડો થતા અટકાવ્યો હતો અને યોગ્ય સમાધાન કાઢ્યું હતું.
આ કિસ્સામાં જે સમાધાન નીકળ્યું હતું તેના વિશે જાણીને તમે વિચારમાં પડી જશો કે ખરેખર આવું થયું છે! કન્નૌજના સૌરિખ પોલીસ મથક હેઠળ આવતા કકલાપુર ગામમાં દુલ્હો દુલ્હનના ઘરે જાન જાેડીને પહોંચી ગયો હતો. છોકરીના પરિવારજનોએ દુલ્હાનું જાેરદાર સ્વાગત કર્યું હતું.
લગ્નની તમામ વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન દુલ્હનનો પ્રેમી પણ જાન જાેડીને પહોંચી ગયો હતો. બીજી જાનને જાેઈને ગામના લોકો અને દુલ્હનના પરિવારજનો પરેશાન થઈ ગયા હતા. જાેકે, આ દરમિયાન દુલ્હન ખૂબ ખુશ લાગી રહી હતી.
હકીકતમાં પરિવારની પસંદગીના દુલ્હા સાથે યુવતી લગ્ન કરી રહી હતી, પંરતુ જેવો તેનો પ્રેમી જાન લઈને આવ્યો કે દુલ્હને લગ્નની વિધિ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં ત્યાં હાજર લોકો વિચારમાં પડી ગયા હતા. આ દરમિયાન કોઈએ આ વાતની જાણકારી પોલીસને આપી હતી. પોલીસે ગામ ખાતે પહોંચીને દુલ્હન અને તેના પ્રેમીની અટકાયત કરી લીધી હતી.
જે બાદમાં બને પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસ શરૂ કરાયા હતા. તમામ વાતચીત ચાલી રહી હતી ત્યારે આ કહાનીમાં જાેરદાર ટિ્વસ્ટ આવ્યો હતો. હકીકતમાં દુલ્હનના પ્રેમીના લગ્ન પહેલાથી જ ૨૩ મેના રોજ નક્કી હતા. જાેકે, તે તેની પ્રેમિકાના દરવાજાે જાન લઈને આવી ગયો હતો.
હવે આ વાતચીતમાં દુલ્હનના પ્રેમીના જે જગ્યાએ લગ્ન નક્કી થયા હતા તે લોકો પણ જાેડાયા હતા. ત્રણેય પક્ષકાર વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી હતી. જે બાદમાં દુલ્હનના પરિવારજનોએ દુલ્હાને તમામ સામાન પરત આપી દીધો હતો અને દુલ્હાના પરિવારે પણ તિલકમાં મળેલું બાઇક પરત આપી દીધું હતું.
એટલું જ નહીં, દુલ્હનનો જે પ્રેમી જાન લઈને આવી પહોંચ્યો હતો તેણે તેના જે જગ્યાએ લગ્ન નક્કી કર્યા હતા તેમની સાથે સમાધાન કરી લીધું હતું. જે બાદમાં પોલીસની હાજરીમાં દુલ્હનના લગ્ન તેના પ્રેમી સાથે કરવામાં આવ્યા હતા. જાન જાેડીને ગામ ખાતે આવી પહોંચેલો પરિવાર લગ્ન તૂટી જતાં ખૂબ નારાજ હતો.
આ દરમિયાન ગામના જ એક પરિવારે તેમની દીકરીના લગ્ન દુલ્હા સાથે કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જે બાદમાં દુલ્હા અને તેના પરિવારે લગ્ન માટે હા કહી દીધી હતી અને લગ્નની વિધિ શરૂ થઈ હતી. આ રીતે ગામમાં એક જ રાત્રે બે બે દીકરીની વિદાઈ થઈ હતી.