એક કરોડથી વધુનાં ચરસ કાંડનો મુખ્ય સુત્રધાર ઈમરાન નારોલ સર્કલથી ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: એટીએસ દ્વારા બે દિવસ અગાઉ એક કરોડથી વધુનો ચરસનો જથ્થો પાલનપુરથી ઝડપી લેવામાં આવ્યો હતો એ કેસમાં પકડાયેલા બે આરોપીઓની સઘન પુછપરછ કરીને એટીએસની ટીમે શહેરમાંથી આ ગુનાનાં મુખ્ય સુત્રધારની પણ ધરપકડ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે એટીએસના પીઆઈ ચેતન જાદવે તેમની ટીમ સાથે બાતમીને આધારે પાલનપુર ખાતે વોચ ગોઠવીને મુંબઈના ફહીમ અને સમીર નામના બે શખ્સોની અટક કરી હતી ઉપરાંત તેમની પાસેથી લુધિયાણાથી લાવેલો રૂપિયા એક કરોડ એકાવત હજારની કિંમતનો ચરસનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. આ બંનેની પુછપરછમાં ઈમરાન ઉર્ફે ઈમો સલીમભાઈ મલેક (૩૪) રહે. રહીમનગર, વટવા- કેનાલ, નારોલનું નામ સામે આવ્યું હતું જેના પગલે પીઆઈ જાદવે પોતાની ટીમ સાથે નારોલ સર્કલ ખાતેથી ગુરૂવારે બપોરે સવા બાર વાગ્યાના સુમારે ઈમરાનને ઝડપી લીધો હતો.
ઈમરાન અગાઉ ર૦૧૧માં બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો અને ર૦૧૪માં આર્થર રોડ જેલમાંથી છુટયો હતો. ઈમરાનને પકડયા બાદ નિતિન શિવાજી ચિકન નામના વધુ એક શખ્સનું નામ બહાર આવ્યું છે. ઈમરાન અને નિતિન બંને સાથે ચરસનો ધંધો કરતા હતા.