એક કિલો વજનના કાચબામાં ૨૫૦ ગ્રામ સુધી ચિપ્સ બને
નવી દિલ્હી: વર્ષમાં બારેય મહિના દરમિયાન જેની માંગ રહે છે તે જ્ઞાનપુરી-બંસરી ચિપ્સ દેશમાં પાંચ હજાર રૂપિયે કિલો વેચાઈ રહી છે. જોકે, ભારતીય સરહદ પાર કરીને બીજા દેશમાં પહોંચતાની સાથે જ તેનો ભાવ બે લાખ રૂપિયે કિલો થઈ જાય છે. ઉત્તર પ્રદેશના ઇટાવા અને પશ્ચિમ બંગાળના ૨૪ પરગણામાં જ્ઞાનપુરી-બંસરી ખાતે આ ખાસ ચિપ્સ તૈયાર કરવામાં આવે છે. જ્ઞાનપુરી-બંસરી એક જગ્યા છે. આ પરથી કાચબાની ત્રણ ખાસ પ્રજાતિને જ્ઞાનપુર-બંસરી કહેવામાં આવે છે.
આ સૌથી વધારે ઈટાવામાં મળી આવે છે. આ વિસ્તાર રાષ્ટ્રીય ચંબલ સેન્ચૂરીમાં આવે છે. આમ છતાં અહીં કાચબાની મોટાપાયે દાણચોરી કરવામાં આવે છે. પર્યાવરણ માટે કામ કરતા અને ગંગા અભિયાન સાથે જોડાયેલા રાજીવ ચૌહાણે આ દાણચોરીનો ખુલાસો કરતા કહ્યુ કે, ચંબલ નદી સાથે જોડાયેલા આગ્રાના પિનહાટ અને ઈટાવાના જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા એવી ત્રણ પ્રજાતિ છે જેનો ઉપયોગ ચિપ્સ બનાવવામાં થાય છે.
કાચબાની પેટની ચામડીને પ્લેસ્ટ્રાન કહે છે. આ પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે. પ્લેસ્ટ્રાનને કાપીને અલગ કરી દેવામાં આવે છે. જે બાદમાં તેને ઉકાળીને સૂકવી દેવામાં આવે છે.
જે બાદમાં તેને બંગાળના રસ્તે વિદેશ મોકલવામાં આવે છે. ગરમીમાં પ્લેસ્ટ્રાનમાંથી ચિપ્સ બનાવવામાં આવે છે. ઠંડીની સિઝન દરમિયાન જીવતા કાચબાઓની દાણચોરી કરવામાં આવે છે. કારણ કે ઠંડીમાં દાણચોરીમાં વધારે સમસ્યા નથી આવતી. રાજીવ ચૌહાણના જણાવ્યા પ્રમાણે સ્થાનિક દાણચોરો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કાચબાને પકડનાર અને ચિપ્સ બનાવનાર પાંચ હજાર રૂપિયે કિલોના હિસાબે જ્ઞાનપુરી અને બંસરીમાં નિલસોનિયા ગેંગટિસ અને ચિત્રા ઇન્ડિકા કાચબાની ચિપ્સ વેચે છે.
ઇટાવા-પિનહાટથી આ ચિપ્સ ૨૪ પરગણા પહોંચે છે. અહીંથી થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુરમાં મોકલવામાં આવે છે. દાણચોરોના જણાવ્યા પ્રમાણે આ દેશોમાં પહોંચતા જ ચિપ્સનો ભાવ બે લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ જાય છે. એક કિલો વજનના કાચબામાંથી આશરે ૨૫૦ ગ્રામ સુધી ચિપ્સ બને છે.