એક છત્ર હેઠળ અનેક સેવાઓનો સરળ લાભ સેવા સેતુ આપે છે
ગામે ગામ લાભ લેનારાઓ આ જ લાગણી વ્યક્ત કરી રહ્યા છે
વડોદરા વડોદરા જિલ્લામાં હાલમાં સેવા સેતુ કાર્યક્રમનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે અને જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાઓ અને નગરપાલિકાઓને આવરી લેતા ૬૫થી વધુ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
સેવા સેતુની એક ખાસ વિશેષતા એ છે કે આ કાર્યક્રમોના પગલે ૫૬ જેટલા પ્રકારની સરકારના વિવિધ ખાતાઓની સેવાઓ અને યોજનાઓના લાભો લગભગ ઘરઆંગણે મળે છે અને તે પણ કોઈ વાંધા વચકા વગર. કાર્યક્રમો એ રીતે યોજવામાં આવે છે કે, લગભગ તમામ ગામના લોકોને ઘર આંગણે અથવા પાસેના નજદીકી ગામમાં આ સેવાઓનો લાભ સેવા સેતુ દ્વારા મળી જ રહે છે
મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમથી વિવિધ દાખલા, પ્રમાણપત્રો મેળવવા અને યોજનાઓનો લાભ લેવા તાલુકા મથકે વારંવાર ધક્કા ખાવાની હાલાકી સાવ ઘટી ગઈ છે. લાભાર્થીઓ એકી અવાજે કહે છે કે સેવા સેતુથી સરકારી સેવાઓનો લાભ લેવા દિવસની રોજી બગાડવા, કોઈને કટકી બટકી આપવા કે લાઈનોમાં ઊભા રહેવા, ભાડા-ભત્થા ખર્ચવાની મજબૂરીનું નિવારણ થયું છે. ઘર આંગણે સરકારી લાભો સહેલાઇથી મળતા થયા છે.
હવે તો મોટર વાહનોના શિખાઉ પરવાના લેવા જેવી સેવાઓનો લાભ સેવા સેતુમાં મળે છે. મા અમૃતમ, મા વાત્સલ્ય કાર્ડ કે આધાર કાર્ડ આ કેમ્પમાં કઢાવી શકાય છે. આમ, સેવા સેતુ એક છત્ર હેઠળ અનેક સેવાઓનો લાભ આપતો મુખ્યમંત્રીશ્રીનો છેવાડાના માનવીલક્ષી કાર્યક્રમ હોવાની પ્રબળ શાખ બંધાઈ છે.