Western Times News

Gujarati News

એક જૂથના લોકો ફૂલસ્પીડે બાઈક ચલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યાં

વડોદરા, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનુ શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા બાદ હવે સાવલી તાલુકામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાવલીમાં સોમવારે રાત્રે કોમી તોફાનો થયા હતા. સોમવારે રાત્રે સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયુ હતું. જેમાં એક જૂથના લોકો બાદમાં પોલીસ સાથે જ ઘર્ષણમાં ઉતર્યા હતા.

સાવલીમાં મોડી રાત્રે બે કોમના ટોળા વચ્ચે રાત્રે ઘર્ષણની બાતમી મળતા પોલીસ એલર્ટ થઈ હતી, તે દરમિયાન એક જૂથના લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે. એક જૂથના લોકો ફૂલ ઝડપે બાઇક ચલાવી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા.

૨૦ થી ૨૫ લોકોનું ટોળું ભાદરવા પોલીસ સ્ટેશનમાં ઉગ્ર દેખાવો કરવા પહોંચ્યા હતા. હાલ ભાદરવા ટાઉન પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. ઘટનાને સંદર્ભે જિલ્લાના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ભાદરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા પણ સાવલીમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો. ૧૨ એપ્રિલના રોજ સાવલીના ગોઠડા ગામે બે જુથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો.

આ પથ્થરમારામાં ૩ થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. બારીયા વગો અને ઠાકોરભાઈના ચકલે પથ્થરમારો કરાયો હતો. જેના બાદ જિલ્લાની તમામ પોલીસ ગોઠડા ગામે ખડકી દેવાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે.

વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર અને ખંભાતમાં હિંસાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરાના રાવપુરામાં બાઈક અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં તલવાર સાથે આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો.

૧૦ થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી પથ્થરમારો કરતા ૪ વ્યક્તિને ઈજા પહોંચી હતી. તો હિંમતનગર અને ખંભાતમાં રામ નવમીએ શોભાયાત્રામાં હુમલો કરી હિંસા ફેલાવવામાં આવી હતી. ગાંધીનગરના ઈટાદરામાં યુવતીના ફોટા પાડવા બાબતે અથડામણ થઈ હતી. જેમાં આગચંપી અને પથ્થરમારાની ઘટના બની હતી. તો વડોદરાના સાવલીમાં પણ જૂથ અથડામણ બાદ તંગદિલી સર્જાઈ હતી.

અમદાવાદના ભરચક એવા અમરાઈવાડી ભીલવાડા પિસ્તારમાં કોઈએ અવરજવરવાળા રસ્તા પર બકરાના વાઢેલા માથા જાહેરમાં ફેંક્યા હતા. આ બનાવથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ત્યારે સવાલ એ થાય છે ગુજરાતની શાંતિ ડહોળવામાં કોને રસ છે. કેમ વારંવાર આવી હિંસાના ઘટનાઓ બની રહી છે. અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે. વાતાવરણ ડહોળવામાં કોને રસ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.