એક જ દિવસમાં કોરોનાથી ૨,૦૦૩ દર્દીઓનાં મોત
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર ગંભીર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે જાહેર થયેલા આંકડાઓએ સૌને ચોંકાવી દીધા છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨,૦૦૩ દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટ્યા છે, જ્યારે ૧૦,૯૭૪ નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના ૩ લાખ ૫૪ હજાર ૦૬૫ કન્ફર્મ કેસ થઈ ચૂક્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં કોરોનાના હવે ૧ લાખ ૫૫ હજાર ૨૨૭ એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં ૧૧,૯૦૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, ૧ લાખ ૮૬ હજાર ૯૩૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ગુજરાતમાં મંગળવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, કોરોના વાયસના નવા ૫૨૪ કેસ નોંધાયા છે. કોરોનાના આ કેસમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લાના છે. અમદાવાદ જિલ્લામાં ૩૩૨ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે ૨૪ કલાકમાં ૨૮ કમનસીબોનાં મોત પણ થયા છે.
સરકારે આપેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં ૪૧૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, અમદાવાદ બાદ હવે કોરોનાના મોરચે સુરતમાં ચિંતા વધી છે. રાજ્યમાં હાલમાં કુલ ૬૦૦૪ કેસ એક્ટિવ છે. આ પૈકીના ૬૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે બાકીના ૫૯૪૦ દર્દીઓ સ્ટેબલ છે. આજદિન સુધીમાં રાજ્યમાં ૧૭૦૯૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુનો આંકડો ૧૫૩૪ પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૮ દર્દીના નિધન થયા છે. જેમાં ૨૧ દર્દી સુરતના, વડોદરા અને સાબરકાંઠાના ૨-૨ અને પંચમહાલના એક દર્દીનું મોત નીપજ્યું છે.