એક જ દિવસમાં નવ અકસ્માતમાં ૨૪ના મોત,૪૬ લોકોને ઇજા
અમદાવાદ: ગુજરાત માટે બુધવારનો દિવસ કાળ સમાન બનીને આવ્યો હતો રાજયના વિવિધ શહેરોમાં અલગ અલગ અકસ્માતની નવ ધટનાઓ બની હતી જેમાં ભાવનગરમાં બે,અરવલ્લીમાં એક આણંદમાં એક સુરતમાં એક નવસારીમાં એક વડોદરામાં એક સુરેન્દ્રનગરમાં એક અને જુનાગઢમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં કુલ ૨૧ લોકોના મોત નિપજયા છે. જયારે ૪૬ લોકોને ઇજા થઇ હતી
મળતી માહિતી અનુસાર પાવાગઢ દર્શનાર્થે જઇ રહેલા મુસાફરોને વાઘોડિયા ચોકડી પાસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સુરતના વરાછા વિસ્તારમાં રહેતો આહિર પરિવાર નવા વર્ષની રજામાં પાવાગઢની મા કાળીના દર્શને જવા નીકળ્યો હતો આહીર પરિવારના ૨૦થી ૨૫ લોકો આઇસર ટેમ્પોમાં સવાર થઇને નીકળ્યા હતાં પાવગઢથી તેઓ વડતાલ અને ત્યાંથી પોતાના વતન જવાના હતાં પરંતુ તે પહેલા વાધોડિયા ચોકડી પાસે આ આઇસર ટેમ્પો ટ્રેલર સાથે અથડાયો હતો જેમાં પરિવારના ૧૨ સભ્યોના મોત નિપજયા હતાં મૃતકોમાં પાંચ મહિલા ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે.જયારે ૧૭ લોકોને ઇજા થઇ હતી.
સુરેન્દ્રનગરના લખતરોડ પર કોઠારીયા ગામના પાટીયા પાસે એક કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના ધટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતાં.લખતરનો પરિવાર ભગુડા દર્શને જઇ પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કાર વૃક્ષ સાથે અથડાઇ હતી.
અરવલ્લી જિલ્લાના માલપરના અણિયોર પાસે રીક્ષા અને સ્કુટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અણિયોર અને પીપરાણા વચ્ચે થયેલ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હતાં. મૃતક બાયડ તાલુકાના ગાબટ ગામના વતીની હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત આણંદના કુંજરાવ માર્ગ પર કારમાં સવાર લોકો ભાલેજ ગામે ચી પીને ત્રણોલ ગામ જઇ રહ્યાં હતાં તે દરમિયાન કાર વૃક્ષ સાથે અથડાતા બે વ્યક્તિઓના મોત નિપજયા હતાં. જુનાગઢના કેશોદમાં રેવદ્રા અને પાણખાણ વચ્ચે રીક્ષા અને ટ્રેકટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ત્યારે રીક્ષાને ટ્રેકટરે ટકકર મારતા ગર્ભવતી મહિલાનું મોત નિપજયું હતું. ભાવનગરમાં વરતેજ નજીક ટ્રેક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજયુ હતું.