એક જ રાતમાં મોડાસાના ગ્રામ્ય વિસ્તારના ત્રણ મંદિર, ૪ બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
હમણાં હમણાથી જિલ્લામાં ચોરી-લૂંટની ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે.તસ્કર ટોળકી બિન્દાસ બની ગઈ હોય તેમ ચીરી તસ્કરી ચિંતાજનક રીતે વકરી રહી છે ત્યારે ગત એક જ રાતમાં મોડાસા તાલુકામાં ભગવાનના મંદિરો અને મકાનોને નિશાન બનાવીને તરખાટ મચાવી દીધો હતો.
મોડાસાના જીતપુર,રાજપુર અને બિલાડી ઘોડા ગામે તસ્કરોએ ભગવાનનો ડર રાખ્યા વગર ત્રણ મંદિરોને નિશાન બનાવ્યા હતા અને મંદિરની દાનપેટીઓ તોડી રોકડની ચોરી કરી લઈ પલાયન થઈ ગયા હતા. સુરપુરમાં ત્રણ અને રાજપુરમાં એક બંધ મકાનમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો. ગ્રામજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા રાબેતા મુજબ પોલીસ કાફલો ધસી આવી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરી તસ્કરોને ઝડપી પાડવાની હૈયાધારણા આપી હતી.
તસ્કરો ચોરીઓ કરવા માટે કોઈ પણ તુક્કા શોધી કાઢતા હોય છે. વાહન ચોરી, ચીલ ઝડપ, લૂંટ, ઘરફોડ સહિત તસ્કરોને જાણે ભગવાનનો પણ ડર ન હોય તેમ મંદિરોને પણ છોડતા નથી. મોડાસા તાલુકાના બિલાડીઘોડા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં ત્રાટકી દાનપેટી ઉઠાવતી વેળાએ ગ્રામજનો જાગી જતા તસ્કરો દાનપેટી સાથે ભાગ્યા હતા.
થોડે દૂર દાનપેટી નાખી દઈ પેટીમાં રહેલા ૪૫ થી ૫૦ હજાર રૂપિયા ચોરી લીધા હતા. તસ્કરોએ મંદિરમાં ચોરીનો સિલસિલો યથાવત રાખી રાજપુર(મહાદેવના ગ્રામ)માં રામદેવ મંદિરમાં દાનપેટીમાં રાખેલા ૫ હજારની ચોરી કરી હતી. મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના કેદ થઈ હતી. જયારે રાજપુરમાં એક બંધ મકાનમાં હાથફેરો કરી તસ્કરોએ જીતપુર ગામે આવેલ જબરેશ્વર શિવમંદિરમાંથી ૫ હજારની ચોરી કરી પલાયન થયા હતા.
ચોર-લૂંટારુ ગેંગને કોઈ ડર જ ન હોય તેમ મરડિયા પાટિયા નજીક આવેલા સુરપુર ગામમાં ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ઘરમાં રહેલા કિંમતી દાગીના અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ જતા એક જ રાતમાં ઘરફોડ ચોરી કરતી ગેંગે ત્રણ મંદિર અને ૪ બંધ મકાનોમાં ચોરી કરતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસતંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી રાજપુર મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. જિલ્લામાં ગામડાઓમાં પોલીસ પેટ્રોલીંગના અભાવે તસ્કરોને મોકળું મેદાન મળતું હોય સમયાંતરે ગામડાઓમાં પોલીસ રાત્રી પેટ્રોલીંગ કરે તેવી ગામલોકોમાં માંગ થઈ રહી છે