એક તરફી પ્રેમમાં પાગલ યુવકની હરકતથી પરિણીતાનો આપઘાત
અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ યુવકની ધમકી અને લગ્ન માટે દબાણ જેવી હરકતોથી કંટાળીને એક પરિણીતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા ભુદરપુરામાં રહેતા ચંદુભાઈ પરમાર એક ગેરેજમાં કામ કરે છે. તેમની પુત્રી આરતીના લગ્ન પાંચેક વર્ષ પહેલા અરવલ્લી ખાતે રહેતા વિષ્ણુભાઈ સાથે થયા હતા.
આરતીના સાસરે ફળિયામાં રહેતો દિનેશ બારિયા પતિની ગેરહાજરીમાં ઘરે આવી સંબંધ રાખવા દબાણ કરતો હતો. જેથી કંટાળીને આરતી તેના પતિ અને બાળક સાથે અમદાવાદ રહેવા આવી ગઈ હતી. બંને દીકરા સાથે સિંધુભવન રોડ ખાતે રહેતા હતા. આ અંગેની જાણ દિનેશને થતા તે પણ અમદાવાદ આવી ગયો હતો અને વાડજમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યો હતો.
થોડા દિવસ પહેલા આરતી તેના પિતાના ઘરે હતી ત્યારે દિનેશ ત્યાં આવી ગયો હતો. ત્યારે દિનેશે ફોન કરીને આરતીને નીચે બોલાવી હતી અને ફરવા જવાનું કહ્યું હતું. આરતીએ મનાઈ કરતા તેના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી તેને ફરવા લઈ ગયો હતો. બાદમાં ફરી એક દિવસ આરતી એક તરફી પ્રેમી દિનેશ સાથે ફરવા ગઈ હોવાની જાણ તેના પતિને થતા તેણે તેના સસરાને જાણ કરી હતી.
બાદમાં દિનેશને ફોન કરી આરતી ક્યાં છે તેવી પૂછપરછ કરતા તેનો ભાઈ આરતીને મૂકી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે આરતીએ સવારે સાતમા માળેથી ઝંપલાવીને આપઘાત કરી લેતા એલિસબ્રિજ પોલીસે આ મામલે દિનેશ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.