પતંગની દોરીના ટેલરના ભાવમાં આ વખતે ૧૫૦ ટકાનો વધારો

એક પતંગ પર વધારે પેચ કાપતી બરેલી દોરી-૩૫ વર્ષથી દોરી રંગવાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુ ઉસ્તાદ
(પ્રતિનિધિ)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાર-પાંચ પતંગ કાપવા હોય તો સારી દોરી મેળવવા માટે લાલદરવાજા ટર્મીનસ પાસે સાંઈ મંદિરની બાજુમાં રાજુ ઉસ્તાદ બરેલીવાળાને મળવું પડશે. છેલ્લાં ૩૫ વર્ષથી બરેલી દોરી તથા રંગવાના વ્યવસાય સાથે સંકળાયેલા રાજુભાઈ ઉસ્તાદ બરેલીવાળાનું કહેવું છે કે
અમારે ત્યાંથી દોરી મેળવનાર મકરસંક્રાંતિમાં પતંગ ચગાવવાની મજા માણી શકે છે. સામેવાળાના ચાર-પાંચ પતંગ આસાનીથી કાપી શકાય તેવી દોરી અમે બનાવીએ છીએ. રૂ.૬૦માં ૯૦૦ મીટર (૧૦૦૦ વારનું ટેલર) દોરી રંગવાનો અમારો ચાર્જ છે દોરી તૈયાર કરવામાં અમે ખાસ તકેદારી રાખીએ છીએ.
અમે ફેવીકોલ, બાઈન્ડસ તથા ૦ નંબરના બરેલી કાચના પાવડરનો ઉપયોગ કરીએ છીએ. જે નુકસાનકારક નથી. સંભવતઃ અન્ય સ્થળોએ કપરકાબી-સોડા વોટરની બોટલનો કાચ વપરાતો હોવાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. અમારી દોરી કોઈપણ રીતે નુકસાનકારક નથી. તેથી પતંગ ચગાવવાની લોકો મજા માણી શકે છે.
“વેસ્ટર્ન ટાઈમ્સે” રાજુ ઉત્સાદ બરેલીવાળાનો સંપર્ક સાધતા તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોનાને કારણે મિલો બંધ રહેવાથી માલનું ઉત્પાદન ઓછું થવાથી અને જીએસટીનાં કારણે ભાવ વધારો થયો છે. પરિણામે ટેલરનાં ભાવમાં લગભગ ૧૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો છે. જેને લીધે ઘરાકી એકંદરે ઓછી જાેવા મળી રહી છે. જાેકે, હજુ ઉત્તરાયણ આડે ગણતરીના દિવસો બાકી હોવાથી છેલ્લે ઘરાકી નીકળશે તેવું અનુમાન છે.
અમારે ત્યાં તૈયાર બરેલીની દોરી ૨૦૦૦ હજાર વાર ફીરકીનો ભાવ રૂા.૩૦૦ તથા ૩૦૦૦ વાર ફીરકીનો ભાવ રૂા.૪૫૦ છે. રાજુ ઉત્સાદ બરેલીવાળાના નામથી અમદાવાદને બાદ કરતાં અમારી કોઈ શાખા નથી. એ અલગ વાત છે કે અન્ય શહેરોમાં અમારા નામથી વ્યવસાય થતો હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે.
પરંતુ અમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત છે. દોરી રંગવા સહિતની કામગીરીમાં અન્ય ૭થી ૮ કારીગરો કામ કરી રહ્યાં છે. જેને લીધે ૭થી ૮ કારીગરોને રોજીરોટી મળી રહે છે. છેલ્લાં ૩૫ વર્ષથી પતંગ રસિયાઓની સેવામાં અમે અમારી કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે.