એક પરિવારના ૪ સગીરોની કુહાડીના ઘા ઝીંકી ક્રૂર હત્યા
જલગાંવ: મહારાષ્ટ્રના જલગાંવમાં એક હ્દય હચમચાવી મૂકે એવી ઘટના સામે આવી છે. અહીં ગુરુવારે રાત્રે એક જ પરિવારના ચાર સગીર બાળકોને અજાણ્યા શખ્સે કુહાડીથી ચીરી નાખ્યા હતા. એવું કહેવામાં આવે છે કે બાળકોના માતા-પિતા ઘરે હાજર ન હતા અને પરિવાર મધ્યપ્રદેશથી જલગાંવમાં નોકરી કરવા આવ્યો હતો. જલગાંવના બોરખેડા ગામે આ પરિવાર મુસ્તફા નામની વ્યક્તિને ત્યાં ખેતી કરતો હતો.
જલગાંવની રાવેર તાલુકાના બોરખેડા ગામે આ હ્રદયદ્રાવક હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો છે. સવારે બોરખેડા ગામે વાડીમાંથી આ ચાર બાળકોની લાશ મળી આવતા સમગ્ર ગામમાં રોષ અને શોકનું વાતાવરણ છે. આ પરિવાર મધ્ય પ્રદેશથી નોકરીની શોધમાં મહારાષ્ટ્રના જલગાંવ આવ્યો હતો. મહેતાબ અને તેની પત્ની રૂમલી બાઇ ભિલાલા બોરખેડા ગામના મુસ્તફા નામની વ્યક્તિને ત્યાં રહી જીવનનિર્વાહ કરી રહ્યા છે. મહેતાબ અને તેની પત્ની મધ્ય પ્રદેશના ગઢી વિસ્તારના રહેવાસી છે.
આ દંપતી, તેમના ચાર બાળકો સાથે, ગયા વર્ષથી જ જલગાંવમાં ખેતીકામ કરે છે. હાલમાં કેટલાક કામને કારણે પતિ-પત્ની બાળકોને જલગાંવમાં ઘરે મૂકીને મધ્યપ્રદેશમાં તેમના ગામ ગયા હતા. આ સમય દરમિયાન બાળકો ઘરે એકલા હતા. મૃત્યુ પામેલા બાળકોમાં ૧૨ વર્ષની છોકરી સાઇતા, ૧૧ વર્ષીય રાવલ, ૮ વર્ષીય અનિલ અને ૩ વર્ષિય સુમનનો સમાવેશ થાય છે. આ ચારેય બાળકોની લાશ માલિક મુસ્તફાની વાડીમાંથી મળી આવી છે. પોલીસ દ્વારા પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો હતો કે ચારેય બાળકોની હત્યા કુહાડીથી કરી હતી. પોલીસને શંકા છે કે ચારેય હત્યાઓમાં એક જ કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને સઘન સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હત્યાકાંડ શહેરથી માત્ર એક કિલોમીટર દૂર થયો હતો.