એક ફોન કૉલ પર ઘાયલ ગાયની સારવાર માટે જીવદયાપ્રેમીની વ્હારે આવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ
ગાયના લોહીઝરતા ઘા સાફ કરી, તેના પર દવા લગાવી ઈન્જેક્શન દ્વારા પીડામુક્ત કરતાં એનિમલ એમ્બ્યુલન્સના પશુ ચિકિત્સક
સંકલન-આલેખનઃ કૌશિક ગજ્જર
માહિતી મદદનીશ, પાટણ : ટ્યુશનથી છુટેલા કિશોરોના ચિંતામુક્ત કલશોર અને શાકભાજી લેવા નિકળેલી ગૃહિણીઓની સ્વાભાવિક ચહલ પહલથી ભરેલો રસ્તો….
શહેરના એક રહેણાંક વિસ્તારમાં આવેલી ઝાડીઓ પાસેથી પસાર થતા આ રસ્તા પર પાર્લર ધરાવતા જીગરભાઈની નજર અનાયાસે આ ઝાડીઓ તરફ જાય છે. ત્યાં તેમણે આંખમાંથી વહેતા પાણી અને લોહીઝરતા ઘા સાથે એક ગાય કણસતી હાલતમાં પડેલી જોઈ. જીવદયાપ્રેમી એવા જીગરભાઈ આ અબોલ જીવને થઈ રહેલી પીડા પામી તેની મદદ માટે ગયા. ગાયના પૂંછડાના ભાગે વાગેલો ઘા વધુ ઉંડો જણાયો અને પ્રાથમિક સારવારનું કોઈ હાથવગું સાધન પણ નહીં. શું કરવું તેની મુંઝવણ વચ્ચે જીગરભાઈને યાદ આવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ… ટોલ ફ્રી નંબર ૧૦૬૨ પર ફોન કરી મદદ માંગી….
પાટણ શહેરના અંબાજી નગર વિસ્તારની આ ઘટનામાં એક જીવદયાપ્રેમીની નાનકડી મદદથી એક અબોલ પશુ પીડામુક્ત થયું. ૧૦૬૨ ટોલ ફ્રી નંબર પર ફોન કરી તેમના વિસ્તારમાં ઈજાગ્રસ્ત ગાય અંગેની માહિતી આપતાં ગણતરીની પળોમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર આવી પહોંચી. એમ્બ્યુન્સના ડ્રાયવર નરેશભાઈ અને વેટરનરી ઑફિસર ચેતનભાઈ પટેલ દ્વારા સ્થાનિક જીવદયા પ્રેમીઓની મદદથી ગાયને ઝાડ સાથે બાંધી તેની સારવાર શરૂ કરી. ચેતનભાઈએ ગાયના પૂંછડાના ભાગે વહી રહેલું લોહી સાફ કરતાં જોયું ઘા ઘણો ઉંડો છે. સેનેટાઈઝર સ્પ્રેની મદદથી ઘા સાફ કરી તેમાં દવા લગાવી, ઈંજેક્શન્સ આપ્યા અને પ્રાથમિક સારવાર બાદ ગાયને છુટી કરી દેવામાં આવી.
ઘટના ભલે નાની લાગતી હશે, પરંતુ અબોલ પશુઓ પર હુમલો કરી તેને ઘાયલ કરવાનું હિનકૃત્ય કરનાર વ્યક્તિ આપણી વચ્ચે રહેતા-આપણી જ સમાજ વ્યવસ્થાના ભાગ છે. જવાબદાર નાગરીક તરીકે આપણી નૈતિક ફરજ છે તેમને રોકવાની અને મૂંગા પશુઓની દરકાર કરવાની… તેમાં માત્ર જીવદયા માટે કામ કરતી સંસ્થાઓ જ નહીં પણ સૌના સહિયારા પ્રયાસની જરૂર છે.
જીવમાત્ર પ્રત્યે સંવેદનાસભર અભિગમ ધરાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઈજાગ્રસ્ત પશુઓની સારવાર માટે રાજ્યભરમાં કરૂણા એમ્બ્યુલન્સનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ઉત્તરાયણના સમયમાં પક્ષી બચાવો અભિયાનને ઝુંબેશરૂપે હાથ ધરી હજારો પક્ષીઓની સારવાર ઉપરાંત વર્ષ દરમ્યાન બિમાર અને ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સની ટીમ સતત કાર્યરત રહે છે. માત્ર એક ફોન કોલ પર સારવાર માટે હાજર થતી પ્રાથમિક પશુ સારવારના સાધનોથી સજ્જ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની ટીમને બસ જરૂર છે સહયોગની…. અબોલ પશુઓ પ્રત્યે જીવદયા અને સંવેદનાપૂર્ણ અભિગમ ધરાવતા નાગરીકોની….