Western Times News

Gujarati News

એક બાજુ ઘરની જવાબદારી ઉપાડે છે અને બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કુશળ મહિલા હોમગાર્ડસ

વડોદરાના હોમગાર્ડસ દળમાં ૧૯૬ મહિલાઓ માનદ સેવાઓ આપે છે- મહિલા હોમગાર્ડસને સારી કામગીરી માટે જિલ્લા અને રાજયસ્તરે પુરસ્કારો મળ્યા છે

તાજેતરના ભારે પૂરની આફત સમયે પોતાના ઘર પાણીમાં  હોવા છતાં હોમગાર્ડ્સની બહેનોએ ફરજ બજાવી હતી

વડોદરા મહિલા સમુદાય સાથે આજીવન ગૃહિણીનું પદ સંકળાયેલું રહે છે. મહિલાઓએ દેશના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રી થી લઈને કલેક્ટર કે પોલીસ કમિશ્નર સુધીના ઉચ્ચ પદો સંભાળ્યા છે અને આટલી મોટી જવાબદારી અદા કરવાની સાથે ગૃહિણી તરીકેના પારિવારિક કર્તવ્યમાં થી કદાચ આંશિક ખરી પરંતુ પૂર્ણ મુક્તિ ક્યારેય ન લીધી હોવાના દાખલા ઉપલબ્ધ છે. આવી જ એક કડી શહેરના હોમગાર્ડસ દળમાં માનદ સેવાઓ આપતી ૧૯૬ મહિલા સેવાકર્મીઓમાં જોવા મળે છે.

આ હોમગાર્ડસ બહેનો પોતાના ઘર અને પરિવારના કામો કરવાની સાથે હોમગાર્ડસ દળ દ્વારા સોંપાતી ફરજોના ભાગરૂપે શહેર પોલીસ તંત્રને કાયદો અને વ્યવસ્થા તેમજ વાહન વ્યવહારના નિયમનમાં સહાયક ની ભૂમિકા ભજવે છે.આ સેવાના વળતર રૂપે મળતા માનદ વેતન દ્વારા તેઓ પોતાના પરિવાર માટે જરૂરી આર્થિક ટેકો ઉભો કરે છે. ટાઈટ રોપ વોક જેવું આ કામ છે જેમાં શિસ્તબદ્ધ દળની ફરજો અદા કરવાની સાથે આ બહેનો પારિવારિક જવાબદારીઓના વહનનું અદ્દભૂત બેલેન્સિંગ કરે છે.

વડોદરા હોમગાર્ડસ દળમાં ફરજ બજાવતી મહિલા સેવાકર્મીઓ નારી સંરક્ષણ, ફેમિલી કોર્ટ, સેન્ટ્રલ જેલ, બાળ રિમાન્ડ હોમ, ટ્રાફિક શાખા, રેલવે (આર.પી.એફ) જેવી સંસ્થાઓ અને દળો સાથે તેમજ સર્વ જાતિના તહેવારોમાં ફરજ બજાવે છે. આ ઉપરાંત ૧૯૬ મહિલા સેવાકર્મીઓ પોલીસ સહયોગ ફોર્સ પણ છે. જયારે જયારે પોલીસ તેની ફરજમાં પહોંચી શકી નથી ત્યારે કાયદો અને વ્યવસ્થામાં હોમગાર્ડ્સની મહિલાઓ મદદ કરે છે.

સાથે હોમગાર્ડસ દળની મહિલાઓ પોતાના વિસ્તારમાં અને ફરજ પરના સ્થળોએ શંકાસ્પદ પ્રવૃતિઓ અને હિલચાલ પર ધ્યાન રાખી અને પોલીસનું ધ્યાન દોરી ગુનાખોરીને અટકાવવામાં મદદ કરે છે. હોમ ગાર્ડની મહિલાઓને દર મહિને પરેડ, ડ્રિલ, લાઠી કઈ રીતે ચલાવવી તેની તાલીમ આપવામાં આવે છે. સાથે બચાવ પક્ષમાં કઈ રીતે મદદરૂપ થવું તેની પણ તાલીમ અપાય છે. તેમજ હોમગાર્ડની મહિલાકર્મીઓ શહેરની સ્કૂલ અને સામાજિક સંસ્થામાં સ્વબચાવની  બાળકો અને મહિલાઓને તાલીમ આપે છે.

તાજેતરમાં શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ઘણી ખરી હોમગાર્ડસ દળની મહિલાઓના ઘર પાણીમાં હતા. પરંતુ તેઓ પોતાની ફરજ સમજી શહેરના ઠેર ઠેર વિસ્તારમાં પહોંચી એક જ દિવસમાં 2600થી વધુ  ફૂડ પેકેટ બનાવવાથી લઇ લોકોને બચાવવાની કામગીરીમાં પણ મદદરૂપ બની હતી.

હોમ ગાર્ડ દળની ફરજ 24 કલાક અને 365 દિવસ હોય છે, જેમાં ફરજ પરના સેવાકર્મીને દૈનિક રૂ. 304નું  ભથ્થું મળે છે. સેવાના ભાવથી કાર્ય કરતી મહિલાઓની સારી કામગીરીને ઉચ્ચ કક્ષાએ બિરદાવવામાં આવે છે. જેમાં વિશેષ કામગીરી બદલ વડોદરા હોમગાર્ડસ દળમાં માનદ સેવાઓ આપતી ૪ મહિલાકર્મી મંગલાબેન અશોકભાઈ પટેલ, સુનિતાબેન અજયકુમાર સાવંત, નિર્મળાબેન પ્રકાશભાઈ મકવાણા અને મંદાકિનીબેન સુહાસ કડુને મુખ્યમંત્રી એવોર્ડ મળ્યો છે.

વડોદરા શહેર હોમગાર્ડ જીલ્લા કમાન્ડટ ઋતુરાજસિંહજી એફ વાઘેલાએ જણાવ્યું હતું કે, હોમગાર્ડસ દળની મહિલાઓની કામગીરી ખુબ મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે. જયારે પણ મોટા બંદોબસ્ત હોય છે. ત્યારે પોલીસ તેમાં પહોંચી શક્તિ નથી. ત્યારે હોમગાર્ડની બહેનો ઘરની જવાબદારી નિભાવવાની સાથે બંદોબસ્તમાં મદદ કરી કાયદો અને વ્યવસ્થાને સુચારુ રીતે પાળી તેમાં પુરી નિષ્ઠથી સેવા આપે છે. પોતાના ઘરની જવાબદારી સાથે આ ફરજ બજાવે છે.

વડોદરા હોમગાર્ડમાં ફરજ બજાવતા સુનિતાબેન કહે છે કે,  હોમગાર્ડમાં ફરજ બજાવતા બહેનો અને ભાઈઓને ઘણું બધું નોલેજ મળે છે. તેમજ હોમગાર્ડની ફરજએ મારા માટે પ્રાઉડની ફરજ છે. હોમગાર્ડના યુનિફૉર્મના લીધે અમે લોકો પણ પોલીસની જેમ એક સારી સેવા આપી રહ્યા છે, તેવો અનુભવ થાય છે.

હોમગાર્ડસ એક મુક સેવા છે જે પોલીસ સહયોગી બનીને સમાજની સેવા કરવાની તક આપે છે.જેમાં જોડાયેલી બહેનો ઘરની જવાબદારી નિભાવવાની સાથે સમાજને સુરક્ષાની ખાત્રી આપવામાં યોગદાન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.