એક મહિના બાદ મુંબઈમાં દૈનિક કેસમાં ઘટાડાથી રાહત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Mumbai2-1024x576.jpg)
મુંબઈ: લગભગ એક મહિના બાદ મુંબઈમાં ડેઈલી કેસનો આંકડો ૧૧,૨૦૬ની સર્વોચ્ચ સપાટીથી ઘટીને ૨,૬૨૪ પર પહોંચી ગયો છે. શહેરમાં સોમવારે ૨૩,૫૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે પણ ૪૪ હજારની ડેઈલી એવરેજથી ઘણા ઓછા હતા. એવું મનાઈ રહ્યું છે કે કોરોનાના સેકન્ડ વેવની મુંબઈમાં જે અસર દેખાવાની હતી તે દેખાઈ ચૂકી છે, અને ધીરે-ધીરે સ્થિતિ સુધરતી જશે.
જાેકે, મૃત્યુદર હજુય ચિંતાજનક સ્તરે યથાવત છે. સોમવારે મુંબઈમાં ૭૮ લોકોના મોત થયા હતા. શહેરનો કેસ ફેટિલિટી રેટ ૨.૯ ટકા જેટલો છે, જે ગત સપ્તાહ કરતાં ડબલ છે. સરકારી અધિકારીઓનું માનવું છે કે મુંબઈમાં કોરોનાથી મોતને ભેટતા લોકોની સંખ્યા હજુય થોડો ઉંચો રહેશે, અને બાદમાં તેમાં ઘટાડાની શરુઆત થશે. મુંબઈમાં અત્યારસુધી ૬.૫૮ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, અને ૧૩,૩૭૨ લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
બીજી તરફ, સોમવારે મહારાષ્ટ્રમાં પણ ડેઈલી ડિટેક્શન તેમજ મૃત્યુના આંકડામાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં સોમવારે ૪૮,૬૨૧ કેસ નોંધાયા હતા, અને ૫૬૭ લોકોના મોત થયા હતા. સમગ્ર મહારાષ્ટ્રમાં અત્યારસુધી ૪૭.૭ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, અને ૭૦,૮૫૧ દર્દીઓના મોત થયા છે. જાેકે, સરકારી સૂત્રોનું કહેવું છે કે વીકેન્ડને કારણે ટેસ્ટ ઓછા થયા હોવાથી કેસોનો આંકડો નીચો છે,
મૃત્યુઆંક અપડેટ કરવામાં મોડું થયું હોવાથી તે પણ નીચો દેખાઈ રહ્યો છે. મુંબઈના એડિશનલ મ્યુ. કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા અનુસાર, મુંબઈનો પોઝિટિવિટી રેટ ૧૧.૩ ટકા જેટલો છે. જાેકે, વીકેન્ડ પર ઓછા ટેસ્ટ થયા હોવા છતાંય ૪ એપ્રિલનો પોઝિટિવિટી રેટ ૩૦ ટકા જેટલો હતો. બીએમસીના કમિશનર ઈકબાલ સિંઘ ચહલના જણાવ્યા અનુસાર, ટેસ્ટની સંખ્યા ખૂબ જ વધારવામાં આવતા પણ શહેરનો પોઝિટિવિટી રેટ ઓછો થયો છે. જાેકે, છેલ્લા કેટલાક દિવસોથી ટેસ્ટ કરાવનારા લોકોની સંખ્યા ઘટી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.