Western Times News

Gujarati News

એક રિયા અને બીજી કંગના, સજા બંને ભોગવે છે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષો જુનો સંબંધ તોડી માત્ર સત્તા માટે અલગ જ વિચારધારા ધરાવતા કોંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર રચનાર શિવસેના પક્ષ હાલમાં એક ફિલ્મ હિરોઈન કંગનાના મુદ્દે દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. બોલીવુડની કાળી દુનિયામાં વ્યાપક બનેલા ડ્રગ્સના દુષણની ભાગીદાર એવી રિયા ચક્રવર્તી સુશાંત કેસમાં એનસીબી ના હાથે ઝડપાઈ છે અને હાલ તે જેલમાં છે ત્યારે બીજીબાજુ ડ્રગ્સના દુષણ સામે અવાજ ઉઠાવનાર મર્દાની અને ઝાંસીની રાણી નામે જાણીતી કંગના રનૌતની ઓફિસ બીએમસીમાં સત્તાધારી શિવસેનાએ તોડી પાડતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

સોશિયલ મીડીયા પર શિવસેનાની આ કાર્યવાહીની આકરી ટીકા થઈ રહી છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ અને એનસીપી આ મુદ્દે મુક પ્રેક્ષક બની ગયું છે

એટલું જ નહી પરંતુ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્ર કોંગ્રેસના તમામ આગેવાનોને આ મુદ્દે એકપણ અક્ષર નહીં બોલવા આદેશ આપી દીધો છે. ત્યારે બીજીબાજુ એનસીપીના શરદ પવારે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા નહીં મળતાં તેઓ પણ પ્રકરણથી છેડો ફાડવા લાગ્યા છે. આમ મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ જાેતા એકબાજુ રિયા ચક્રવર્તી છે અને બીજીબાજુ કંગના રનૌત છે પરંતુ સજા બંનેને ભોગવવી પડી રહી છે અને નુકસાન શિવસેનાને થઈ રહયુ છે.

મુંબઈમાં ફિલ્મ અભિનેતા સુશાંતસિંહનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યા બાદ મુંબઈ પોલીસે આત્મહત્યાનો કેસ ગણી તેના પર પુર્ણ વિરામ મુકી દેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સુશાંતસિંહના પિતાએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સમક્ષ રજુઆત કરતાં બિહારના પોલીસવડાએ આ કેસની તપાસ શરૂ કરી હતી પરંતુ મુંબઈ પોલીસે તેમાં સાથ સહકાર નહી આપતા સમગ્ર પ્રકરણ ચર્ચાસ્પદ બની ગયું હતું. શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે કરેલા ભડકાઉ નિવેદનથી ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને આખરે સુપ્રીમકોર્ટે આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી.

સુશાંત કેસમાં સીબીઆઈની એન્ટ્રી થતાં જ એક પછી એક નવા ખુલાસાઓ થવા લાગ્યા હતાં સીબીઆઈ ઉપરાંત આ કેસમાં ઈડી અને એનસીબીએ પણ એન્ટ્રી કરવી પડી હતી. સુશાંતસિંહના કેસમાં ભારે ઉહાપોહ થયા બાદ ડ્રગ્સનો મામલો સપાટી પર આવતા એનસીબીની એક ટીમે સીબીઆઈની સાથે રહી તપાસ શરૂ કરી દીધી છે.

સીબીઆઈ ગંભીર એવા આ કેસમાં ખુબ જ સાવચેતી પૂર્વક આગળ વધી રહી છે ત્યારે એનસીબીએ ખુબ જ મજબુત પુરાવા એકત્ર કરી લીધા છે અને સુશાંત કેસમાં ડ્રગ્સનું રેકેટ બહાર લાવવામાં આવ્યું છે. આ કેસમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત પાંચ જણાંની ધરપકડ કરી લીધી હતી અને છેલ્લે મજબુત પુરાવાના આધારે રિયા ચક્રવર્તીની પણ ધરપકડ કરવામાં આવતા જ ખળભળાટ મચી ગયો હતો.

સુશાંતસિંહના કેસમાં ડ્રગ્સનો મુદ્દો બહાર આવતા જ કંગના રનૌતે ખુબ જ આક્રમક નિવેદનો કર્યાં હતાં અને બોલીવુડની કાળી દુનિયામાં અનેક લોકો ડ્રગ્સના એડીગ્ટ હોવાનું જણાવ્યું હતું અને તેણે નામજાેગ આક્ષેપો કરતાં ખળભળાટ મચી ગયો હતો.

કંગના રનૌતના આ નિવેદનથી બોલીવુડમાં પણ સન્નાટો છવાઈ ગયો છે. નાની અમથી બાબતમાં પણ બોલીવુડ એક સુત્ર થઈ જાય છે પરંતુ કંગનાના આ આક્ષેપ સામે સમગ્ર બોલીવુડ મૌન બની ગયું છે. કંગના રનૌતે નામજાેગ કરેલા આક્ષેપથી મુંબઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુશાંતસિંહના કેસમાં ઘોર બેદરકારીથી દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ મુંબઈ પોલીસ શંકાના દાયરામાં આવી ગઈ હતી. કંગનાએ સત્તાધારી શિવસેના સામે પણ આક્ષેપો કર્યાં હતાં અને ડ્રગ્સના ેરેકેટમાં અનેક મોટા માથાઓ સંડોવાયેલા હોવાનું જણાવતાં જ અનેક મોટી હસ્તીઓની નીચે તેનો રેલો પહોંચે તેવુ મનાઈ રહયું છે અને જાે તેમ બને તો દેશભરમાં ખળભળાટ મચી શકે તેમ છે.

જેના પગલે કંગનાના નિવેદન સામે શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે ફરી એક વખત ભડકાઉ નિવેદન કરતાં વધુ એક વખત રાજકારણ ગરમાઈ ગયું છે. એટલું જ નહીં પરંતુ અભિનેત્રી કંગનાને મુંબઈમાં પ્રવેશવા અંગે સંજય રાઉતે વિવાદાસ્પદ નિવેદન કરતાં દેશભરમાં તેમની સામે રોષ જાેવા મળી રહયો છે.

કંગનાએ પણ કોઈપણ જાતના ગભરાટ વગર મુંબઈમાં પ્રવેશવાની તારીખ જાહેર કરી હતી ત્યારે બીજીબાજુ મુંબઈ મહાનગર પાલિકામાં શાસનકર્તા શિવસેનાએ કંગનાને માનસિક રીતે તોડી નાંખવા માટે તેની ઓફિસમાં તોડફોડ કરી નાંખી હતી જેના પરિણામે શિવસેનાની સોશીયલ મીડીયા પર કડક શબ્દોમાં ટીકા થવા લાગી છે.

કંગના રનૌત એકમાત્ર ફિલ્મ અભિનેત્રીની સામે બાળાસાહેબ ઠાકરેએ સ્થાપેલા શિવસેનાના વર્તમાન આગેવાનો બદલાની ભાવનાથી આગળ વધી રહયા હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. સોશીયલ મીડિયા પર લોકો બાળાસાહેબને યાદ કરવા લાગ્યા છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા જાેવા મળી રહયા છે. બોલીવુડમાં ડ્રગ્સના દુષણમાં ભાગીદાર એવી રિયા ચક્રવર્તી હાલ જેલમાં છે. જયારે ડ્રગ્સની સામે અવાજ ઉઠાવનાર કંગનાની ઓફિસમાં શાસકોએ જ તોડફોડ કરતા કેન્દ્ર સરકારે પણ તેની ગંભીર નોંધ લીધી છે. મહારાષ્ટ્રના રાજયપાલે સમગ્ર ઘટનાક્રમનો વિસ્તૃત અહેવાલ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો છે.

મહારાષ્ટ્રમાં સર્જાયેલી વર્તમાન સ્થિતિ જાેતા સત્તામાં ભાગીદાર શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ત્રણેયની સામે લોકો રોષ વ્યકત કરી રહયા છે. જેના પરિણામે ડેમેજ કંટ્રોલ સીસ્ટમના ભાગરૂપે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી તરત જ સતર્ક બની ગયા હતાં.

એક અને એકલી મહિલા સામે સરકારી મશીનરી કાર્યવાહી કરી રહી છે ત્યારે મહારાષ્ટ્રના સ્થાનિક કોંગ્રેસના નેતાઓને આ મુદ્દે એક પણ નિવેદન નહી કરવાનો સ્પષ્ટ આદેશ આપી દીધો છે. એટલું જ નહીં પરંતુ વર્ષોથી ભાજપ સાથે બેઠેલા અને હિન્દુત્વવાદી વિચારસરણી ધરાવતા શિવસેના સામે હવે ખાનગીમાં કોંગ્રેસના જ નેતાઓ ટીકા કરતા જાેવા મળી રહયા છે.

ત્યારે બીજીબાજુ એનસીપીના વડા શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને આ કેસમાં ઝડપથી પૂર્ણ વિરામ મુકવા માટે જણાવ્યું છે. પરંતુ ડીમોલેશનની ઘટનાથી દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે જેના પરિણામે રોજે રોજ શિવસેનાની રાજકીય લોકપ્રિયતામાં ઓટ આવી રહી છે. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ભેગા મળી સરકાર રચી ત્યારે જ તેની ટીકા થઈ હતી અને હવે એકલી મહિલા સામે કરવામાં આવેલી કાર્યવાહી તથા સંજય રાઉતના ભડકાઉ નિવેદનથી મહારાષ્ટ્રના જ નાગરિકોમાં શિવસેના પ્રત્યે કચવાટની લાગણી જાેવા મળી રહી છે.

કંગના રનૌતના સમગ્ર પ્રકરણ પર ભાજપના નેતાઓ નજર રાખી રહયા છે અને મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ કંગના રનૌતના સંપર્કમાં હોવાનું પણ ચર્ચાઈ રહયું છે જેના પરિણામે હવે આ સમગ્ર પ્રકરણ રાજકીય મુદ્દો બનવા તરફ આગળ વધી રહયું છે. કંગના રનૌત બીએમસી તથા સત્તાધારી શિવસેના સામે ઝુકવા તૈયાર નથી ત્યારે બીજીબાજુ આ સમગ્ર પ્રકરણ જયાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી શિવસેનાની મુશ્કેલીમાં વધારો થતો જશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.