એક વર્ષના બાળકના ગળામાંથી બટન સેલ બહાર કઢાયો
સુરતની નવી સિવિલના ડોક્ટરોએ દૂરબીન દ્વારા સફળ ઓપરેશન કર્યું
સુરત, સુરતના ઉન વિસ્તારમાં એક વર્ષનો બાળક રમતા રમતા રમકડાંમાં ઉપયોગમાં લેવાતો બટન સેલ ગળી ગયો હતો. તાત્કાલિક નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોએ દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો.
ઉન વિસ્તારમાં અમજદ કુરેશી પરિવાર સાથે છે અઢી વર્ષના લગ્ન જીવનમાં હુસેન પહેલું જ બાળક હતું. ૧ વર્ષનો હુસેન શનિવારની સાંજે રમતા રમતા રમકડાંમાં વપરાતો બટન સેલ ગળી ગયો હતો. પાડોશી સઇદ અહેમદ રાંદેરવાળાની નજર પડતા બુમાબુમ કરી હતી.
તાત્કાલિક મોઢામાં આંગળી નાખી તપાસ કરતા કોઈ ધાતુ ગળામાં અટકી ગઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ નજીકના દવાખાને લઈ જતા ડોક્ટરે તપાસ કરી સિવિલ લઈ જવાની સલાહ આપી હતી. અઢી એમએમનો સેલ ગળી ગયેલા હુસેન અમજદ કુરેશીને ૧૦૮માં નવી સિવિલ લવાયો હતો.
બાળકોના નિષ્ણાત તબીબોએ તમામ રિપોર્ટ અને એક્સ-રે આધારે કોઈ ધાતુ ગળામાં હોવાનું નિદાન કરી રાત્રે ૧૨ઃ૩૦ વાગે દૂરબીન વડે ઓપરેશન કરી સેલ બહાર કાઢ્યો હતો. લગભગ અઢી એમએમનો સેલ ગળી ગયેલા હુસેનની તબિયત સાધારણ છે. હાલ ડોક્ટરોએ તેને રજા આપી મંગળવારે તપાસ માટે બોલાવ્યો છે. પિતા મજુરી કામ કરે અને મૂળ મહારાષ્ટ્રના છે.
સામાન્ય રીતે નવી સિવિલ હોસ્પિટલ અણધડ વહીવટને કારણે વખોડાતી રહે છે, પણ આ કિસ્સામાં સમયસર સારવારને કારણે માસૂમ હુસેનની જિંદગી બચાવનાર સિવિલના ડોક્ટરોએ હોસ્પિટલ ને ગૌરવ મળે તેવી કામગીરી બજાવી હતી.