એક વર્ષમાં દિલ્હીએ ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ગુમાવ્યા છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Sheela-sushma-madan.jpg)
સુષ્મા ઉપરાંત શીલા દિક્ષીત અને ખુરાનાના નિધન
નવી દિલ્હી, દેશના પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારના દિવસે મોડી રાત્રે હાર્ટએટેક થયા બાદ અવસાન થયું હતું. તેઓ ૬૭ વર્ષના હતા. સુષ્મા સ્વરાજ ભાજપના શક્તિશાળી અને ફાયરબ્રાન્ડ નેતાઓ પૈકી એક હતા. પોતાના સૌમ્ય આચરણ અને ઓજસ્વી ભાષણના કારણે ભારતીય રાજનીતિમાં તેમની એક અલગ ઓળખ ઉભી થઇ હતી. કેન્દ્રીય મંત્રી બનતા પહેલા સુષ્મા સ્વરાજ દિલ્હીના મુખ્યમંત્રી પણ રહ્યા હતા.
તેમના અવસાનની સાથે જ દિલ્હીએ એક વર્ષના ગાળામાં જ પોતાના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને ગુમાવી દીધા છે. સુષ્મા સ્વરાજ ઓક્ટોબરથી લઇને ડિસેમ્બર ૧૯૯૮ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હાર્ટએટેકના કારણે તેમનું અવસાન થયું હતું. ગયા મહિનામાં હાર્ટએટેકના લીધે જ દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા શીલા દિક્ષીતનું પણ અવસાન થયું હતું. ૨૦મી જુલાઈના દિવસે દિલ્હીના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
૧૯૯૮થી લઇને ૨૦૧૩ વચ્ચે સતત ૧૫ વર્ષ સુધી તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. વર્ષ ૧૯૯૩થી ૧૯૯૬ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુકેલા મદનલાલ ખુરાનાનું ગયા વર્ષે ઓક્ટોબરમાં અવસાન થયું હતું. ૮૨ વર્ષીય ખુરાના લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી ઉપરાંત તેઓ વર્ષ ૨૦૦૪માં રાજસ્થાનના રાજ્યપાલ પણ બન્યા હતા. આવી જ રીતે એક વર્ષની અંદર દિલ્હીના પૂર્વ ત્રણ મુખ્યમંત્રીઓના અવસાન થયા છે.
સુષ્મા સ્વરાજ, મદનલાલ ખુરાના અને શીલા દિક્ષીત એમ ત્રણેય ખુબ લોકપ્રિય નેતા પૈકીના એક હતા. શીલા દિક્ષીત લાંબા ગાળા સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. દિલ્હીમાં તેમની ખાસ છાપ ઉભી થઇ હતી. દિલ્હીને આધુનિક બનાવવામાં તેમની મોટી ભૂમિકા રહી હતી. આવી જ રીતે સુષ્મા સ્વરાજ પણ ખુબ લોકપ્રિય રહ્યા હતા.