એક સંવાદ એવા આરોગ્ય સેવકો સાથે જેઓ દર્દીઓની સેવા કરવાની સાથે રમઝાનના રોઝા રાખી બંદગી કરી રહ્યાં છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
છેલ્લા સવા વર્ષની કોવિડ કટોકટી દરમિયાન વિવિધ ધર્મોના અનુયાયી આરોગ્ય સેવકો વ્રતો ઉપવાસો પૂનમ અગિયારસ અને રોઝા દર્દી નારાયણ ની સેવા અને સંભાળ વચ્ચે દવખાનાઓ ના વોર્ડ માં કરી રહ્યાં છે…
વડોદરા, હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેમાં વહેલી સવાર થી સાંજ સુધી પાણી પીધા વગર નિર્જળા કહી શકાય એવા ઉપવાસ મુસ્લિમ બંધુઓ કરે છે. હાલમાં પવિત્ર અગિયારસો,હોળી ની પૂનમ સહિત પૂનમો,પવિત્ર રામ નવમી સહિત હિન્દુ ભાઈઓના વ્રત ઉપવાસ ના પર્વો આવ્યાં છે.
કોવિડ કટોકટી એ કદી ન જોયો હોય એવો કપરો સમય બતાવ્યો છે. તબીબો થી લઈને નર્સો,પેરા મેડિકલ સ્ટાફ અને સફાઈ સેવકો સુધીના તમામ આરોગ્ય કર્મયોગીઓને લગભગ છેલ્લા એક વર્ષ થી સરકારી કે ખાનગી દવાખાનાઓના વોર્ડમાં કે કોવિડ વોર્ડમાં ઉપવાસ કે રોઝા રાખીને પ્રભુ કે ખુદાની બંદગી દર્દી નારાયણ ની સેવા સાથે કરવાની ફરજ પડી છે અને આ લોકોએ આસ્થા જાળવીને સેવા આપવાની કર્તવ્ય નિષ્ઠા બતાવી છે. આ સહુ વંદન અને સલામી ને પાત્ર છે.
ગયા વર્ષની જ વાત કરીએ તો દર્દીઓ નું ભારણ ઘણું ઘટી ગયું તેવા સમયે દિવાળીનો તહેવાર આવ્યો ત્યારે સયાજી હોસ્પિટલ ના કોવિડ વોર્ડના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના સહયોગ થી આખ્ખા વોર્ડને દીવાઓ થી શણગારી દર્દીઓ સાથે દીપોત્સવી ઉજવી હતી.
ઘણા દવાખાનાઓના કોવિડ વોર્ડમાં નવરાત્રી માં સાંજ સવાર માતાજી ની આરતી નું અને દર્દીઓ સાથે ફિઝિયોથેરાપી ના ભાગરૂપે ગરબા નું આયોજન થયું હતું.તો પ્રભુ ઈસુ ના અનુયાયીઓ અને અન્ય ધર્મો ના શ્રધ્ધાળુ આરોગ્યકર્મીઓ એ પણ તેમના તહેવારો બહુધા દર્દીઓની સેવામાં જ ઉજવ્યા છે
ગોત્રી હોસ્પિટલમાં કાર્યરત એવા જ એક આરોગ્ય કર્મયોગી છે ડો. હુનૈના જેઓ સતત બીજા વર્ષે રોઝા રાખીને કોવિડ વોર્ડમાં દર્દીઓની આરોગ્ય સંભાળ લઈ રહ્યાં છે.
તેઓ કહે છે કે આમ તો બચપણ થી રોઝા રાખું છું એટલે વાંધો નથી આવતો.હાલમાં આખો દિવસ સતત ફરજ બજાવવાની હોય છે એટલે વહેલી સવારે શહેરી માં ઊર્જા આખો દિવસ જળવાઈ રહે એવો ખોરાક પીણાં નું સેવન કરવાની કાળજી લઉં છું.એકાદ વાર સાંજે રોઝા છોડવા એટલે કે ઈફતારી વખતે ડ્યુટી પર હતી.
પરંતુ સાથી તબીબો આરોગ્ય કર્મચારીઓ એ ટાણું સાચવી લીધુ,દર્દીઓ સ્ટેબલ હોય એની દરકાર રાખી અને 15 એક મિનિટ કાઢી રોઝા છોડવાની પરંપરા નિભાવી.સતત બીજા વર્ષે કોવિડ કટોકટીમાં રોઝા રાખવાનો પ્રસંગ આવ્યો છે. હાલ ખૂબ ગરમી છે ઉપર થી પી.પી.ઇ.કીટ પહેરવી પડે છે એટલે સ્વાભાવિક રીતે તરસ વધુ લાગે છે પરંતુ અલ્લાહની મહેરબાની થી બધું મેનેજ થઈ જાય છે.
ડો.અકમલ કહે છે કે ગોત્રી હોસ્પિટલમાં મારા જેવા દશેક ડોકટર – સ્ટાફ રોજેદાર છે. કોવિડ ફરજો અને રોઝા વચ્ચે સમતુલા જાળવવામાં સાથીઓ મદદરૂપ બને છે અને બધું સચવાઈ જાય છે.રાત્રિ ડ્યુટી હોય તો વહેલી સવારે શહેરી માં સરળતા માટે ફળ,દૂધ અને ખાદ્ય સામગ્રી બેગમાં સાથે લઈને જઈએ છે અને સેફ એરિયામાં મૂકી ફરજો બજાવી એ છે. સહુના સહયોગ થી દર્દીઓની સેવા સાથે બંદગી સચવાઈ જાય છે.
ડો. અસ્લમ ચૌહાણ સયાજી હોસ્પિટલના નિવાસી તબીબ છે અને હાલમાં સમરસ હોસ્ટેલ કોવિડ હોસ્પિટલમાં ફરજો બજાવી રહ્યાં છે.તેઓ માટે કોવિડ વોર્ડમાં રમઝાન ની બંદગી રોઝા નો આ બીજો પ્રસંગ છે.તેઓ કહે છે કે ખુદાની બંદગી જેટલી જ અગત્યની અત્યારે કોવિડ દર્દીઓની સારવાર છે. હાલ રજા મળે પણ નહિ અને એનો વિચાર પણ ન કરી શકાય એટલે દર્દીઓની સેવા સાથે રોઝા નું પાલન એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
કેટલાક સેવાભાવી મુસ્લિમ સંગઠનો અમારા જેવા દવાખાનાઓ માં ફરજ બનાવનારાઓ ને શહેરી કે ઈફ્તારી માટે ખાદ્ય સામગ્રી મોકલવાની કાળજી લે છે એટલે સરળતા રહે છે.હાલમાં દર્દીઓ નો લોડ ખૂબ વધુ છે પરંતુ સહુના સહયોગ થી પર્વ અને ભક્તિ સચવાઈ જાય છે.
હેડ નર્સ તરીકે કાર્યરત એક બહેને જણાવ્યું કે હાલ રોઝાને અનુલક્ષીને મને નોન કોવિડ વોર્ડમાં ડ્યુટી આપવાનું સૌજન્ય દાખવ્યું છે. જો કે બે વોર્ડના 60 જેટલા દર્દીઓ ની કાળજી લેવાની છે.એની વચ્ચે સહ કર્મચારીઓના સહયોગ થી રોઝા છોડવાની પરંપરા નિભાવી પાછી ફરજ પર લાગી જાઉં છું.
કોવિડ જેમની આકરી કસોટી કરી રહ્યો છે એવા સમુદાયમાં આરોગ્યના કોરોના લડવૈયા કદાચ સહુ થી મોખરે છે.પરંતુ એકબીજા ને પૂરક બનીને,સહયોગ આપીને આ લોકો કટોકટી ના આ સમયે વ્રત,ઉપવાસ અને રોઝા જેવી પરંપરાઓ પાળી રહ્યાં છે.સ્વ ધર્મ ની ફરજો નું પાલન કરવાની સાથે દર્દીની સારસંભાળ નો સર્વોચ્ચ માનવ ધર્મ જેઓ અદા કરી રહ્યાં છે તેઓ દિલ થી ધન્યવાદ ને પાત્ર છે.