Western Times News

Gujarati News

એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ ૫૦% તળિયે બેસી ગયા

પ્રતિકાત્મક

ભાવનગર, જિલ્લામાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે, માત્ર એક સપ્તાહમાં જ ડુંગળીના ભાવ ૫૦% તળિયે બેસી ગયા છે. ભાવનગર જિલ્લો ડુંગળીનું હબ ગણાય છે. જેથી જિલ્લામાં ડુંગળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે, જ્યારે માર્કેટયાર્ડમાં ખેડૂતો ને ડુંગળીના ૫૫૦ સુધીના ભાવ મળી રહ્યા હતા, જ્યારે હાલ રૂપિયા ૧૦૦ થી ૨૦૦ પ્રતિ મણ ભાવ થઈ ગયા છે, એકાએક ભાવ નીચે આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે, જેમાં રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં ૪૦ ટકા કરતાં વધુ હિસ્સો એકલા ભાવનગર જિલ્લાનો હોય છે, જિલ્લાનો મહુવા તાલુકો ડુંગળીના વાવેતરમાં અવ્વલ છે અહીં ડુંગળીનું મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે, અને જેનો ભરપૂર લાભ અહીંના ડીહાઈડ્રેશન પ્લાન્ટ ને થાય છે, એક સપ્તાહ પૂર્વે માર્કેટયાર્ડ ખાતે ડુંગળી લઈને વેચાણ માટે આવતા ખેડૂતોને ડુંગળીના ૫૫૦ સુધીના સારા ભાવો મળી રહ્યા હતા, જ્યારે રવિપાકની સીઝન હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળી લઈને વેચાણ માટે માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે.

હાલ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીની ૧ લાખ ગુણીની આવક થઈ રહી છે, પરંતુ આવક વધતા ની સાથે આજે એકાએક ડુંગળીના ભાવ તળિયે બેસી રૂપિયા ૧૦૦ થી ૨૦૦ પ્રતિમણ થઈ ગયા છે, ખેડૂતોને ડુંગળીના વાવેતર પાછળ ઘણો ખર્ચ કરવો પડતો હોય છે, જેમાં બિયારણ, ખાતર, વાવણી, માવજત તેમજ લણવા મજૂરી પાછળ ખૂબ ખર્ચ થાય છે, જે ભાવ ખેડૂતો ને વેચાણ માં મળી રહ્યા છે એ ભાવે તો ખેડૂતો ને ડુંગળી ઘરમાં પણ નથી પડતી, જેથી ડુંગળીના ભાવમાં કડાકો બોલી જતાં ખેડૂતો ને હવે રોવાનો વારો આવ્યો છે, એવા સમયે ડુંગળીના યોગ્ય ભાવ મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.