એક સપ્તાહમાં VIP સુરક્ષામાં તહેનાત કુલ ૧૭ જવાનો કોરોનાગ્રસ્ત
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના કહેર બનીને વર્તાઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા હતા. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો કોરોના સંક્રમિત આવી રહ્યા હતા. હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસતા નાયબ માહિતી નિયામક ઉદયભાઈ વૈષ્ણવ તથા મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત મળી આવ્યા છે.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો વીઆઈપીની સુરક્ષામાં તહેનાત ૧૭ જવાનો પણ કોરોના સંક્રમિત આવ્યા છે. રાજ્યમાં મંત્રીઓ તથા ધારાસભ્યો બાદ તેમના કાર્યાલયનો સ્ટાફ પણ હવે કોરોનાના સંક્રમણમાં સપડાઈ રહ્યો છે. તાજેતરમાં જ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જ્યારે ગઈકાલે તેમના સેક્રેટરી મનોજ પટેલ પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ પહેલાં બે કમાન્ડો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. આમ, એક જ કાર્યાલયમાં મંત્રી સહિત કુલ સાત લોકો કોરોનાગ્રસ્ત મળી આવ્યા હતા. હાલમાં જ ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે ત્યારે ૯ ધારાસભ્યોને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.
તો સત્ર પૂર્ણ થયા બાદ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. ૨૩ માર્ચે ૫ ધારાસભ્ય સંક્રમિત થતાં વિધાનસભાગૃહને અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવતી યુવી લાઈટથી સેનિટાઈઝ કરાયું હતું. આ પ્રકારના સેનિટેશનનો ગુજરાતમાં પ્રથમ વખત ઉપયોગ થયો હતો.