એક સમયે ઊરીના ડિરેક્ટરે પણ કામ માટે ભટકવું પડ્યું
ઉરીના ડિરેક્ટર બન્યા પહેલા આદિત્યએ કપરો સંઘર્ષ કર્યો છે, ઉરી વખતે આદિત્ય-યામી એકબીજાની નજીક આવ્યા
મુંબઈ: બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ યામી ગૌતમે હાલમાં જ ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કરી લીધા છે. આદિત્ય ધરે વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક ડિરેક્ટ કરી હતી. જેમાં યામી ગૌતમ જાેવા મળી હતી. આદિત્ય ધરની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક છે અને પહેલી ફિલ્મ માટે તેને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકના ડિરેક્ટર બન્યા પહેલા ૩૮ વર્ષીય આદિત્ય ધરે કપરો સંઘર્ષ કર્યો છે.
તો ચાલો જાણીએ તેની ફિલ્મી સફર વિશે. આદિત્ય ધરે ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ અને પછી સફળતાની કહાણી શેર કરી છે. આદિત્ય ધર દિલ્હીનો છે અને તેનો જન્મ ૧૨ માર્ચ, ૧૯૮૩ના રોજ થયો. આજે તે ૩૮ વર્ષનો છે. તેણે સૌપ્રથમ વર્ષ ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’ માટે ગીતો લખ્યા. ત્યારબાદ આદિત્ય ધરે અજય દેવગણ સ્ટારર ફિલ્મ ‘આક્રોશ’ અને ‘તેઝ’ માટે સંવાદ લખ્યા હતા. આદિત્ય ધરે જણાવ્યું કે તે વર્ષ ૨૦૦૬માં મુંબઈ આવ્યો હતો અને એક અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તે દરરોજ સવારે પ્રોડક્શન હાઉસ પર જઈને કામ માગતો હતો. તેણે કહ્યું કે ત્યારે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ સાથે ખરાબ વર્તન કરવામાં આવતું હતું.
થોડા જ એવા પ્રોડક્શન હાઉસ હતા કે જ્યાં અસિસ્ટન્ટ ડિરેક્ટરને પાણી માટે પૂછવામાં આવતું હતું. મેં થોડા સમય રેડિયો જાેકી તરીકે પણ કામ કર્યું. આદિત્ય ધરે વિધુ વિનોદ ચોપરા, રોહન સિપ્પી, વિશાલ ભારદ્વાજ અને પ્રિયદર્શન જેવા દિગ્ગજાે સાથે કામ કર્યું છે. તેણે કહ્યું કે તે સમયે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સનો પગાર ખૂબ ઓછો હતો. ત્યારે મેં ગીતો લખવાના શરૂ કર્યા. મને ફિલ્મ ‘કાબુલ એક્સપ્રેસ’માં કામ મળ્યું. અજય દેવગણની ફિલ્મ ‘આક્રોશ’ માટે સંવાદ લખ્યા. હું સમજી ગયો કે મહેનત ખૂબ જરૂરી છે.
મારા મગજમાં એક જ વાત હતી કે જ્યારે મારો સમય આવશે ત્યારે હું બધાને મારું ટેલેન્ડ દેખાડીશ. ત્યાં સુધી શીખવું છે. આદિત્ય ધરે વધુમાં જણાવ્યું કે મેં વર્ષ ૨૦૦૯માં ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખવાનું કામ શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું કે ‘ઉરી’ પહેલા હું ‘રાત બાકી’ નામની એક ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. જેમાં ફવાદ ખાન અને કેટરિના કૈફ સાથે વાત ચાલી રહી હતી પણ તે પ્રોજેક્ટ બંધ થઈ ગયો. આખરે વર્ષ ૨૦૧૯માં ‘ઉરી’ બનાવી અને તે સુપરહિટ રહી. ‘ઉરી’ ફિલ્મ વખતે આદિત્ય ધર અને યામી ગૌતમ એકબીજાની નજીક આવ્યા. તેઓ બંને લગભગ ૨ વર્ષ રિલેશનશિપમાં રહ્યા પણ આ વાત લોકોથી છુપાવીને રાખી. અચાનક જ તેમણે લગ્નની જાણકારી આપી અને તેઓ બંને ખૂબ ખુશ છે.