એક સમયે સોનુ મેગેઝિનના ઓડિશન માટે રિજેક્ટ થયો હતો
મુંબઈ: કોરોનાની આ મહામારીમાં ભારતમાં ગત વર્ષે જ્યારે લોકડાઉન લાગુ થયું ત્યારથી અત્યાર સુધી એક્ટર સોનુ સૂદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. કોરોના વાયરસની આ મહામારીની બીજી લહેરમાં પણ સોનુ સૂદે અનેક લોકોની મદદ કરી છે. ત્યારે સ્ટારડસ્ટ મેગેઝિનના એપ્રિલના અંકના કવર પેજ પર સોનુ સૂદનો ફોટો છે.
હવે એક્ટરે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર ફોટોગ્રાફ શેર કર્યો છે. આ ફોટોગ્રાફ શેર કરતા સોનુ સૂદે તે સમય યાદ કર્યો કે જ્યારે તેણે સ્ટારડસ્ટ મેગેઝિનના ઓડિશન માટે પંજાબથી ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. સોનુ સૂદે ટિ્વટર પર કવર શેર કરતા લખ્યું કે ‘એક દિવસ હતો જ્યારે મેં પંજાબથી સ્ટારડસ્ટ ઓડિશન માટે મારા ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા
પણ હું રિજેક્ટ થયો. જ્યારે આજે આ લવલી કવર માટે સ્ટારડસ્ટનો આભાર વ્યક્ત કરવા માગુ છું. વિનમ્ર. અહીં નોંધનીય છે કે ગયા વર્ષે લોકડાઉનની જાહેરાત કરાઈ ત્યારથી બોલિવુડ એક્ટર સોનુ સૂદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સતત મદદ કરી રહ્યો છે. તેણે ગયા વર્ષે હજારો પ્રવાસી મજૂરોને મદદ કરી હતી.
અનેક દાન કરવા સિવાય સોનુ સૂદ અને તેની ટીમ લોકોની મદદ કરવા માટે સતત કામ કરી રહી છે. એક્ટર પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મદદ માગનારને અંગત રીતે જવાબ આપી રહ્યો છે. એક્ટર જરૂરિયાતમંદોને ઓક્સિજનની ડિલિવરી અને દવાઓ પહોંચાડવા સિવાય કોવિડ-૧૯ના દર્દીઓ માટે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા પણ કરાવી ચૂક્યો છે.