એક સાથે 6 રોકેટ છોડતી સિસ્ટમનું સફળ પરિક્ષણ
નવી દિલ્હી, ભારતે આજે પિનાક રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ પરીક્ષણ હેઠળ એક પછી એક છ રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. એટલે માત્ર એક રોકેટનું નહીં આખી સિસ્ટમનું પરીક્ષણ થયું હતું. આ રોકેટની ડિઝાઈન અને ઉત્પાદન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) દ્વારા ભારતમાં જ થયા છે. આમ તો ભારતીય લશ્કર આ રોકેટ વાપરે જ છે, પરંતુ નવી સિસ્ટમ અને વધુ રેન્જ સાથે તૈયાર થયેલા રોકેટનું પરીક્ષણ આજે કરવામાં આવ્યું હતું.
ભારતે તૈયાર કરેલા શરૃઆતી પિનાક રોકેટની રેન્જ ૩૬ કિલોમીટર હતી. એ પછી સુધારેલા રોકેટ ૪૫થી ૬૦ કિલોમીટર સુધી પ્રહાર કરી શકતા હતા. હવે તૈયાર થયેલા રોકેટ ૬૦થી ૯૦ કિલોમીટર સુધીની રેન્જમાં પ્રહાર કરી શકે છે.
આખા જગતના લશ્કરમાં વપરાતા લોન્ચ થઈ શકે એવા હથિયારોનું સતત પરીક્ષણ કરતું રહેવું પડે છે. તો જ આવા હથિયારો યુદ્ધના કે કટોકટીના સંજોગોમાં કામ આપી શકે. સતત પરીક્ષણ કરતાં રહેવું એ મેન્ટેનન્સનો જ એક ભાગ છે. ડીઆરડીઓએ જણાવ્યું હતું કે તમામ છ રોકેટનું સતત ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમણે નિર્ધારિત લક્ષ્યાંકો તોડી પાડયા હતા.