એક હપ્તો ચડી જતા ફાઇનાન્સના માણસોએ માલિકને ફટકાર્યો
બનાસકાંઠા, લોકો એક સાથે નાણાની વ્યવસ્થા ન કરી શકતા હોવાથી લોન પર વાહન લેતા હોય છે. વિવિધ ફાઇનાન્સ કંપનીઓ બાઇક, કાર અને અન્ય વાહનો લેવા માટે લોન આપે છે. વાહન માલિકો જ્યારે હત્પો ભરવામાં નિષ્ફળ રહેતા હોય છે ત્યારે ફાઇનાન્સ સંચાલકો તરફથી વાહન પરત ખેંચી લેવા સુધીના પગલા આવતા હોય છે.
જાેકે, અમુક સંચાલકો લુખ્ખાગીરી પર પણ ઉતરી આવતા હોય છે અને વાહન માલિકોને હપ્તો ન ભરવા બદલ શારીરિક ઈજા પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠામાં ફાઇનાન્સ સંચાલકોની લુખ્ખાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે.
બનાસકાંઠામાં ખાનગી ફાઇનાન્સના સંચાલકોની જાહેરમાં લુખ્ખાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈકનો એક હપ્તો ભરવાનો બાકી હોવાથી ફાઇનાન્સ સંચાલકોએ એક યુવક ઉપર જાહેરમાં હુમલો કરી માથામાં પંચ મારી ગંભીર ઇજાઓ પહોચાડી હતી.
ઇજાગ્રસ્ત યુવકે થરાદ પોલીસ મથકે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફાઇનાન્સના હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગતે વાત કરીએ તો વાવ તાલુકાના આકોલીના વસ્તાભાઇ ભુરાભાઇ દેસાઇએ થરાદમાં આવેલી લક્ષ્મી ફાઇનાન્સમાંથી મોટર સાયકલ ઉપર લોન લીધી હતી.