એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડઃ દેશ કૃષિ કલ્યાણના માર્ગે આગળ વધી રહ્યો છે
ખેડૂતોના સૌથી મહત્વના દિવસ એટલે કે ગત તારીખ ૯ ઓગસ્ટ અને હલાષ્ટમી, ભગવાન બલરામ જયંતીના દિવસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કૃષિ સાથે જોડાયેલી સુવિધાઓ તૈયાર કરવા માટે એક લાખ કરોડના ભંડોળ સાથેના એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો શુભારંભ કર્યોછે. આ ભંડોળથી ગામડાઓમાં સારાઅનાજના ગોદામો, આધુનિક કોલ્ડ સ્ટોરેજની ચેન તૈયાર કરવામાં મદદ મળશે અને ગામડાઓમાં રોજગારીની અનેક તકો ઉભી થશે. આ સાથે દેશના સાડા આઠ કરોડ ખેડુત પરિવારોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં ૧૭ હજાર કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ યોજનાથી ખેડુત પરિવારોને મુસીબતના સમયે સીધી મદદ મળે એ હેતુની પુર્તિ થઈ છે.
છેલ્લા દોઢ વર્ષથી આ યોજનાના માધ્યમથી ૭૫ હજારકરોડ રુપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. એમાંથી ૨૨ હજાર કરોડ રુપિયા કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન ખેડૂતોને પહોંચાડવામાં આવ્યા છે. દાયકાઓથી એ પ્રશ્નો ઉપર માંગ અને મંથન થઈ રહ્યુ હતું કે, ગામડાઓમાં ઉદ્યોગો કેમ નથી લાગતા? ઉદ્યોગોની જેમ ખેડૂતોને પોતાના ઉત્પાદનની કિંમતો નક્કી કરવાની અને દેશમાં ગમે ત્યાં વેચવાની સ્વતંત્રતા કેમ નથી મળતી?
સાબુની ફેક્ટરી કોઈ એક શહેરમાં લાગી હોય તો તેનું વેચાણ એ જ શહેરમાં થઈ શકે એવો તો કોઈ નિયમ નથી. પરંતુ ખેતીમાં અત્યાર સુધી આવું જ થતું હતું. પાક તૈયાર થાય તેનું ખેડૂતોએ સ્થાનિક માર્કેટ યાર્ડમાં જ વેચાણ કરવું પડતું હતું. એ પણ પ્રશ્ન ઉઠતો હતોકે, બાકીના ઉદ્યોગોમાં વચેટિયા નથી તો ખેડુતોના પાકના વેપારમાં દલાલો શું કામ હોવા જોઈએ?ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે છે તો એવું આધુનિક માળખું કૃષિ માટે પણ મળવું જોઈએ.
દાયકાઓથી આ પ્રશ્નોનું નિવારણ ન થતા ખેડૂત જગતનો તાત મટીને શાહુકારનો ગુલામ થઈ ગયો હતો.
પરંતુ હવે ખેડૂતો માટેનો કપરો કાળ સમાપ્ત થયો છે. આર્ત્મનિભર ભારત યોજના હેઠળ ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા પ્રશ્નોનું નિરાકરણ શોધાઈ રહ્યુ છે. એક દેશ, એક બજાર મિશન ચરિતાર્થ થવા જઈ રહ્યુ છે.
એ માટે પહેલા ી-દ્ગછસ્ ના માધ્યમથી ટેકનોલોજી આધારિત એક મોટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી અને હવે કાયદો ઘડીને ખેડૂતોને સ્થાનિક બજારની કેદમાંથી મુક્તિ મળી છે અને અને માર્કેટ ટેક્સનો ગાળિયો પણ છુટો થયો છે.
હવે ખેડૂતો પાસે અનેક વિકલ્પો છે.
હવે તે ખેતરમાં જ પોતાની ઉપજનો સોદો કરવા માંગે તો કરી શકે છે. અથવા તેને વખારથી સાથે જોડાયેલા વેપારીઓ અને સંસ્થાઓ પૈકી જે વધુ ભાવ આપે તેની સાથે પોતાની ઉપજનો સોદો કરી શકે છે. નવા કાયદાની મદદથી બટાટાના ખેડૂતો વેફર બનાવતી કંપનીઓ સાથે, ફળો ઉગાડતા ખેડૂતો જ્યુસ, મુરબ્બો, ચટણી જેવા ઉત્પાદનો બનાવતા ઉદ્યોગો સાથે ભાગીદારી કરીને ખેડૂત ઉદ્યોગો સાથે સીધી ભાગીદારી પણ કરી શકે છે. આમાં ખેડૂતોને રોપણી સમયે જ નક્કી કરેલા ભાવો મળી જતા ભાવ ઘટાડા સામે રાહત મળી જશે.
આપણા દેશમાં ખેત ઉત્પાદનમાં કોઈ સમસ્યા નથી, પરંતુ ઉત્પાદન બાદ ઉપજની બરબાદી બહુ મોટી સમસ્યા છે. એનાથી ખેડૂતોને પણ નુકસાન જાય છે અને દેશને પણ બહુ મોટું નુકસાન થાય છે. આનો અંત આણવા કાયદાકીય અડચણો દુર કરીને અને ખેડૂતોને સીધી મદદ કરીને બંને મોરચે લડત અપાઈ રહી છે.
આપણા દેશમાં ખેડૂતોની દુર્દશામાં કાનુન વ્યવસ્થાઓએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. કારણકે દેશમાં અનાજની ભારે અછત હતી ત્યારે આવશ્યક વસ્તુઓને લગતો કાયદો બનાવવામાં આવ્યો હતો એ કાયદો આપણે દુનિયાના બીજા નંબરના સૌથી મોટા અન્ન ઉત્પાદક બની ગયા પછી પણ લાગુ હતો.
ગામડાઓમાં સારા અનાજ વખારોનહી બનવાનું, કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન નહી મળવાના મોટા કારણમાં આ કાનુનનું પણ યોગદાન હતું. આ કાનુનનો ઉપયોગ કરતા દુરુપયોગ વધુ થયો. તેનાથી દેશના વેપારીઓને, રોકાણકારોને ડરાવવાનું કામ વધુ થયું.
હવે ડરના તંત્રથી કૃષિ સાથે જોડાયેલા વેપારીઓને મુક્તિ મળી છે. હવે વેપારીઓ, ઉદ્યોગો ગામડાઓમાં સ્ટોરેજ બનાવવા અને બીજી વ્યવસ્થાઓ તૈયાર કરવા આગળ આવશે.
એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડથી ખેડૂતો ગામમાં પોતાની જરુરિયાત પ્રમાણેની ગોદામોની આધુનિક સુવિધાઓ ઉભી કરી શકશે.આ યોજનાથી ખેડૂત સંઘોને, ખેડૂત સમિતિઓને, એફપીઓને વેરહાઉસ બનાવવા માટે, કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ફૂડ પ્રોસેસિંગને લગતા ઉદ્યોગો લગાવવા માટે ૨ કરોડ રુપિયાની સહાય મળશે. તેના ઉપર ૩ ટકા વ્યાજની છૂટ પણ મળશે.
આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી કૃષિ આધારિત ઉદ્યોગો લગાવવામાં ઘણી મદદ મળશે. દરેક જિલ્લાના પ્રખ્યાત ઉત્પાદનોને દેશ અને દુનિયાના બજાર સુધી પહોંચવા માટે એક મોટી યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ગામડાઓ પાસે જ કૃષિ ઉદ્યોગોના ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યા છે. આને લીધે હવે સ્થિતિ એવી સર્જાશે કે, ગામડાઓના કૃષિ ઉદ્યોગો આધારિત ઉત્પાદનો શહેરોમાં જશે અને શહેરોમાંથી બીજો ઔધોગિક સામાન તૈયાર થઈને ગામડાઓમાં જશે. આ આર્ત્મનિભર ભારત અભિયાનના સંકલ્પમાં પ્રાણ ફૂંકશે.
કૃષિ આધારિત ઉદ્યોગો ઉભા થશે તેને ચલાવશે કોણ? તેમાં મોટી ભાગીદારી નાના ખેડૂતોની મંડળીઓ(એફપીઓ)ની અથવા ખેત ઉત્પાદન સહકારી મંડળીઓની રહેશે. આ માટે છેલ્લા સાત વર્ષમાં એફપીઓના મોટા નેટવર્કનું અભિયાન ચલાવવામાં આવ્યુ છે. આગામી સમયમાં દેશમાં ૧૦ હજાર એફપીઓ- ખેડૂત ઉત્પાદન સંઘ બનાવવામાં આવશે.
એકબાજુ એફપીઓના નેટવર્કનું કામ ચાલી રહ્યુ છે તો બીજી તરફ ખેતી સાથે જોડાયેલા સ્ટાર્ટ-અપને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૬૫૦ જેટલા કૃષિ સ્ટાર્ટ-અપ્સને સહાય આપવામાં આવી રહી છે. આ સ્ટાર્ટ-અપ ફૂડ પ્રોસેસિંગ, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ખેતી સાથે જોડાયેલા સાધનોના નિર્માણ અને રિન્યૂએબલ એનર્જી સાથે જોડાયેલા છે.
કૃષિમાં સૌથી વધુ નાના ખેડૂતો પિંસાઈ રહ્યા છે, તેમના સુધી સરકારી લાભો પહોંચતા નથી. આ નાના ખેડૂતોનું સશક્તિકરણ થઈ રહ્યુ છે. થોડા દિવસો પહેલા જ દેશની પહેલી કિસાન રેલ મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરુ કરવામાં આવી છે. હવે મહારાષ્ટ્રના સંતરા, દ્રાક્ષ, ડુંગળી જેવા અનેક ફળ અને શાકભાજીને લઈને ટ્રેન નીકળશે અને બિહારના મખાના, લિચી, પાન, તાજી શાકભાજી, માછલી વગેરે સામાન લઈને આવશે. આ રીતે બિહારના નાના ખેડૂતો મુંબઈ અને પુણે જેવા મોટા શહેરો સાથે સીધા જોડાઈ ગયા છે. આ પહેલી ટ્રેનનો લાભ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના ખેડૂતોને પણ મળશે. આ ટ્રેન સંપૂર્ણ વાતાનુકૂલિત છે અર્થાત કે પાટા પર દોડતું કોલ્ડ સ્ટોરેજ છે. આ કારણે ટ્રકોમાં ફળ અને શાકભાજી બગડી જતા હતા તે સમસ્યામાંથી મુક્તિ મળશે અને ટ્રક કરતા અનેક ગણું ઓછું ભાડુ લાગશે. શહેરીજનોને હવામાનના કારણે કે અન્ય સંકટોને લઈને તાજી શાકભાજી સસ્તા ભાવે મળશે.
એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની અવધી ૨૦૨૦ થી ૨૦૨૯ સુધી ૧૦ વર્ષની રાખવામાં આવી છે. જે રીતે મંત્રીમંડળે યોજનાને મંજુરી આપ્યાના માત્ર ૩૦ દિવસની અંદર ૨૨૮૦ ખેડૂત સોસાયટીઓને ૧૦૦૦ કરોડ રુપિયા ફાળવી દેવામાં આવ્યા છે એ આ ક્ષેત્રમાં સરકારની ઇચ્છાશક્તિ બતાવે છે. સરકારે રેકોર્ડ ખરીદીનો ર્નિણય લીધો છે. જેનાથી ગત વર્ષની સરખામણીએ ૨૭ હજાર કરોડ રુપિયા વધુ ખેડૂતોના ખિસ્સામાં ગયા છે.
ખેડૂતોના સશક્તિકરણ માટેના આ જેટલા પણ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, તેનાથી ૨૧મી સદીમાં દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાની તસવીર પણ બદલાશે અને ખેતીમાંથી આવકમાં પણ ઘણો વધારો થશે. કોરોનાકાળના છેલ્લા ૬ મહિના ખેડૂતોએ જ દેશને ટકાવી રાખ્યો છે. તેમણે લોકડાઉન દરમિયાન ખાવાપીવાની જરુરિયાતમાં તંગી આવવા દીધી નથી. દેશ આખો લોકડાઉનમાં હતો ત્યારે ખેડૂત પોતાના પાકને લણી રહ્યો હતો અને વાવેતરનો નવો રેકોર્ડ બનાવી રહ્યો હતો. લોકડાઉનના પહેલા દિવસથી દિવાળી સુધીના ૮ મહિના સુધી ૮૦ કરોડ દેશવાસીઓને મફત રાશન સરકાર પહોંચાડી રહી છે, તો તેની પાછળ પણ સામ્યર્થ આપણા ખેડૂતોનું જ છે. આમ સરવાળે અત્યારે કહી શકાય કે, દેશમાં જેની દશકોથી ફરિયાદ હતી તે કૃષિ કલ્યાણના માર્ગે આગળ વધી રહ્યો છે. (હિંમત કાતરિયા, લેખક શ્રી ગુજરાતના એક જાણીતા પત્રકાર છે.) PIB Inputs