એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન કરતી હેરન્બાનો IPO 23 ફેબ્રુઆરીએ ખુલશે
મુંબઈ, ગુજરાત સ્થિત હેરન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેની કાર્યકારી મૂડીની આવશ્યકતાઓ માટે નાણાં પૂરાં પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે તથા 90,15,000 સુધીના ઇક્વિટી શેરો સુધીના ઓફર ફોર સેલ (ઓએફએસ) માટે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ની જાહેરાત કરી છે. 1992થી અસ્તિત્વ ઘરાવતી નફો કરતી આ કંપની પાકનું રક્ષણ કરતા રસાયણોનું ઉત્પાદન, નિકાસ અને માર્કેટિંગ કરે છે.
આઈપીઓ ઇક્વિટી શેરદીઠ Rs.626 થી Rs.627ના પ્રાઇસ બેન્ડમાં બૂક બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રીમિયમ કિંમતે રોકડ માટે Rs.10ની મૂળકિંમતનો એક એવા Rs.6252.40 મિલિયન (પ્રાઈસ બેન્ડના ઉપલા સ્તરે)નો છે. આઈપીઓમાં બૂક રનિંગ લીડ મેનેજર્સ એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ અને બટલીવાલા એન્ડ કરણી સિક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે. ઓફરના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.
આઈપીઓ 23મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર ભરણાં માટે ખુલે છે અને 25મી ફેબ્રુઆરી 2021ના રોજ બંધ થાય છે. એન્કર ઇન્વેસ્ટર્સના સબ્સ્ક્રિપ્શન આઈપીઓ 22મી ફેબ્રુઆરી 2021ના રોજ ખુલશે. શેરોનું લિસ્ટિંગ એનએસઈ અને બીએસઈ પર કરવામાં આવશે.
હેરન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાક રક્ષક રસાયણોની ઉત્પાદક, નિકાસકાર અને માર્કેટિંગ કરતી કંપની છે. હેરન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે ગુજરાતમાં વાપીમાં અને તેની આસપાસ ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે અને મુંબઈમાં કોર્પોરેટ ઓફિસ છે. ભારતમાં તે 16 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં 9400થી વધુ ડીલર્સ/ડિસ્ટ્રિબ્યુટર્સ ધરાવે છે અને મધ્ય પૂર્વ, સીઆઈએસ, એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના 60થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે. આવકની દ્રષ્ટિએ, નિકાસ વેચાણના 41% જેટલી છે.
હેરન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એગ્રોકેમિકલ ઉદ્યોગ એટલે કે ઇન્ટરમિડિએટ્સ, ટેકનિકલ્સ અને ફોર્મ્યુલેશનની સંપૂર્ણ પ્રોડક્ટ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવે છે. તે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સના પાંચ બિઝનેસ વર્ટિકલ્સ- ટેકનિકલ્સ, ટેકનિકલ્સ એક્સપોર્ટ્સ, બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન્સ, ફોર્મ્યુલેશન્સ એક્સપોર્ટ્સ અને પબ્લિક હેલ્થ પ્રોડક્ટ્સમાં કાર્ય કરે છે.
કંપની પાસે ભારતમાં ઉત્પાદન અને વેચાણ માટે 18 ટેકનિકલ્સ અને 169 ફોર્મ્યુલેશન્સ, નિકાસ માટે 103 ટેકનિકલ્સ અને ફોર્મ્યુલેશનના રજિસ્ટ્રેશન્સ છે. ભારતમાં ઉત્પાદન અને વેચાણ માટે 14 ટેકનિકલ્સ અને ફોર્મ્યુલેશન્સ માટે અને નિકાસ બજારો માટે 7 ટેકનિકલ્સ અને ફોર્મ્યુલેશન્સ માટેની અરજીઓ હાલમાં પેન્ડિંગ છે.
પાછલા ત્રણ નાણાકીય વર્ષો 2019-20, 2018-19 અને 2017-18માં, કંપનીએ આવક અનુક્રમે Rs.9679.06 મિલિયન, Rs.10,118.38 મિલિયન અને Rs.7504.10 મિલિયન પ્રાપ્ત કરી હતી અને વેરા પછીનો નફો Rs.977.50 મિલિયન, Rs.754.02 મિલિયન અને Rs.468.76 મિલિયન નોંધાવ્યો હતો.
30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂરા થયેલા છ મહિનાના ગાળા માટે, હેરન્બા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને Rs. 6183.44 મિલિયનની આવક અને Rs 663.11 મિલિયનનો વેરા પછીનો નફો થયો હતો, જે પાછલા વર્ષના સમાન સમયગાળા કરતા અનુક્રમે 23.26% અને અનુક્રમે 24.54% વૃદ્ધિ દર્શાવે છે.
ભારતમાં કૃષિ રસાયણોનો માથાદીઠ ઓછો વપરાશ અને ખાદ્ય માંગમાં થઈ રહેલો વધારો, બાગાયત અને ફૂલોની ખેતીની વધતી જતી માંગ, કૃષિને સરકાર તરફથી મળતો બજેટ અને નીતિનો ટેકો, વગેરેના કારણે ભારતીય બજાર પણ વિસ્તરવાની શક્યતા છે.