એચડીએફસી સહિત બેંકોએ હોમલોનના વ્યાજદર વધાર્યા
આગામી મહિનાઓમાં ભૂરાજકીય તણાવના કારણે બેંકોના વ્યાજના દરમાં વધારો થવાની શક્યતા
નવી દિલ્હી, હોમ લોન માટે નીચા વ્યાજદરની સિઝન પૂરી થઈ હોય તેમ લાગે છે. ટોચની હાઉસિંગ ધિરાણકાર કંપની એચડીએફસીએ તેના હોમ લોનના દરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત આસીઆઈસીઆઈ બેન્ક, પીએનબી અને બેન્ક ઓફ બરોડાએ તેના એમસીએલઆરમાં વધારો કર્યો છે જેથી તેની લોનના દર પણ વધશે.
એચડીએફસીએ તેના ધિરાણ દરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો છે. તેથી નવા અને હાલના ગ્રાહકો માટે લોનના માસિક હપતા (ઈએમઆઈ)માં વધારો થશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે હાઉસિંગ લોન માટે રિટેલ પ્રાઈમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં ૦.૦૫ ટકાનો વધારો કરવામાં આવે છે. આ વધારો ૧ જૂન, ૨૦૨૨થી લાગુ થશે.
એચડીએફસી લિ. એ છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત આરપીએલઆરમાં વધારો કર્યો છે. મે મહિનામાં કંપનીએ બે વખત લોનના દર વધાર્યા હતા અને કુલ વ્યાજદરમાં ૦.૩૫ ટકાનો વધારો થયો હતો.આ ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) અને આસીઆઈસીઆઈ બેન્કે તેના માર્જિનલ કોસ્ટ બેઝ્ડ લેન્ડિંગ રેટ્સ (એમસીએલઆર)માં વધારો કરવાની જાહેરાત કરી છે.
પીએનબીએ તેનો દર ૦.૧૫ ટકા વધાર્યો છે અને આ વધારો પણ આજથી અમલમાં આવશે. તેવી જ રીતે આસીઆઈસીઆઈ બેન્કે પણ એમસીએલઆરનો દર વધાર્યો છે જે એક વર્ષ માટે હવેથી ૭.૫૫ ટકા રહેશે. બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ માર્જિનલ કોસ્ટ આધારિત લેન્ડિંગ દર વધાર્યા છે. એમસીએલઆર એક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે અને બેન્કો તેનાથી નીચા દરે લોન આપી શકતી નથી.
આગામી મહિનાઓમાં ભૂરાજકીય તણાવના કારણે વ્યાજના દરમાં વધારો થવાની શક્યતા છે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વૈશ્વિક ફુગાવામાં વધારો થયો છે અને તેને અંકુશમાં રાખવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પગલાં લઈ રહી છે.
તાજેતરમાં આરબીઆઈએ ચાવીરૂપ દરમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો હતો અને આ સાથે રેટ વધવાની સાઈકલ શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે થોડા દિવસો પહેલા સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે આરબીઆઈ દ્વારા જરૂરિયાત પ્રમાણે રેટમાં વધારો કરવામાં આવશે.ss2kp